Home > Know Jainism > નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ
Jainonline.org
• 30-Mar-2025
નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ
15

ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં મુટ્ઠિસહિઅં પચ્ચક્ખામિ
ચઉવિહિં પિ આહારં અસણં પાણં ખાઈમં સાઈમં
અન્નત્થ-ણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં
વોસિરામિ
અર્થ ઃ
જ્યારથી સૂર્ય ઊગે ત્યારથી નવકારશી અને મુઠશીનું પચ્ચક્ખાણ કરું છું (48 મિનિટ સુધી) ચારેય પ્રકારના આહારનો - અશન-પાન-ખાદામિ અને સ્વાદિમનો (1) અનાભોગ (2) સહસાત્કાર (3) મહત્તરાગાર (4) સર્વસમાધિ આગાર છોડીને હું ત્યાગ કરું છું.
નવકારશી એટલે?
નવકાર ગણીને પચ્ચક્ખાણ પારું નહીં ત્યાં સુધી.
પ્રશ્ન ઃ તો પછી સૂર્યોદયના 48 મિનિટ પછી જ શા માટે નવકારશી પચ્ચક્ખાણ પરાય છે?
જવાબ ઃ રાત્રે અંધારું હોવાથી અને સૂર્યનો પ્રકાશ ન હોવાના કારણે જીવોત્પત્તિ થતી હોવાથી રાત્રિ ભોજનનો નિષેધ છે.
પ્રશ્ન ઃ તો ક્યારથી ભોજન-પાણી ચાલુ કરી શકાય?
જવાબ ઃ સવારે સૂર્યોદય થયા બાદ 48 મિનિટ સુધી ભોજન-પાણી ન કરાય. સૂર્યોદય સમયે તો હજી સૂર્ય ઊગી રહ્યો છે. 48 મિનિટમાં સૂર્ય પૂર્ણ પ્રકાશિત થઈ જાય છે. માટે, જૈનોએ તો ખાસ કરીને સૂર્યોદયના 48 મિનિટ પછી જ ભોજન-પાણી કરવા જોઈએ.
પ્રશ્ન ઃ નવકારશી પચ્ચક્ખાણ ક્યારે લેવાનું?
ઘણા લોકો હવે મોડા ઊઠે છે. ઊઠે ત્યારે તો સૂર્યોદયને 48 મિનિટ વીતી ગઈ હોય છે. એટલે તેઓ તો ઊઠીને તરત જ પચ્ચક્ખાણ લઈ લે છે અને તરત જ પારી પણ લે છે. તેમનું પચ્ચક્ખાણ શુદ્ધ ન ગણાય. કારણ કે આ રીતે પચ્ચક્ખાણ લઈને પારવામાં વિરતિ ત્યાગ ક્યાં રહ્યો?
સૂર્યોદય થાય તે પહેલાં જ નવકારશીનો પચ્ચક્ખાણ લેવાનો સાચો સમય છે.
સૂર્યોદય થયા પછી, જેઓ નવકારશી પચ્ચક્ખાણ લે છે. તેમને પચ્ચક્ખાણ બાદ 48 મિનિટ પૂરી થતી નથી. છતાં જેટલો સમય પચ્ચક્ખાણમાં રહે, તેટલો તો લાભ છે જ.
નવકારશી પચ્ચક્ખાણ આવી ગયા બાદ પણ, જેઓ પચ્ચક્ખાણ લઈને તરત જ પારી લે છે, તેઓએ પણ પચ્ચક્ખાણ તો અવશ્ય લેવું જ જોઈએ. કારણ કે પચ્ચક્ખાણ લેવાથી કમ-સે-કમ `મારે દરરોજ નવકારશીનું પચ્ચક્ખાણ કરવું જોઈએ’ તેવા સંસ્કાર ટકી રહે છે.