Home > Know Jainism > 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ
Jainonline.org
• 9-May-2025
4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ
5

પ્રથમ નજરે પ્રતિમા દર્શન
અસીમ કલ્યાણના ઝરૂખે પહોંચવાનું સામર્થ્ય પ્રગટાવતા શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથજી સાત ફણાથી સુંદર શોભે છે. પદ્માસનારૂઢ આ પ્રતિમાજી ૧૦ ઇંચ ઊંચા અને ૯ ઈંચ પહોળા છે. દુ:ખના દારૂણ દાવાનલનું શમન કરતા અને શાશ્વત સુખ ભણી દોરી જતા શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથજી ગૃહમંદિરમાં બિરાજમાન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી
નામથી જ પોતાના પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વસ્વામી અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે. ભકતજનોનાં દુ:ખ અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું ‘શ્રી દુ:ખભંજન’ નામ સાર્થક છે.
સૂર્યપુરમંડન શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસર તરીકે ઓળખાય છે. આ પાર્શ્વસ્વામી સં.. ૧૯૪૨ના હોવાનું કહેવાય છે. સં. ૧૯૫૦માં આ જિનાલયનું નિર્માણ થયું હતું.
પ્રાચીનતાના પુરાવા
સં ૧૮૮૧માં પં. ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ'માં દુ:ખભંજન નામનો ઉલ્લેખ થયેલો છે.
પ્રભુનાં ઘામ અનેક
શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ સૂરત છે. શ્રી જીરાવલા તીર્થની ૩૨મી દેરીમા તથા શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયમાં પણ શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી બિરાજમાન છે.
પ્રભુનાં ધામની પિછાણ
શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથના ધામ સૂરતમાં તીર્થ સદેશ અનેક મનોહર જિનપ્રસાદો શોભાયમાન છે. આ શહેરમાં જૈનોની વિપુલ વસ્તી છે. અહીંના શ્રાવકો શ્રીમંત અને શ્રદ્ધાવાન છે. સૂરતે અનેક જૈન સાધુઓની પણ ભેટ ઘરી છે.
સુરત અનેક પ્રાચીન ગ્રંથોની સર્જન ભૂમિ છે. પૂ. આચાર્યાદિ મુનિ ભગવંતોના અહીં પ્રતિવર્ષ ચાર્તુમાસ થાય છે.
આ સઘળીય દ્રષ્ટિએ વિચારતા ‘સૂરત સોનાની મૂરત' કહેવત ચરિતાર્થ બની જાય છે.