Home > Know Jainism > 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ
Jainonline.org
• 10-May-2025
5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ
81

પ્રથમ નજરે પ્રતિમા દર્શન
અધમતાઓના અંધારકૂપમાં અથડાતા આતમને અધ્યાત્મના ઉચ્ચ વ્યોમમાં ઉડ્ડયન કરવાનું સામર્થ્ય શ્વેતવર્ણના શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની સેવાથી સ્ફૂરે છે. પાષાણનાં આ પ્રતિમાજીની પૂજાથી જડની પ્રીતિ જર્જરિત બને છે. નવરફણામય નમણા દેહને ધારણ કરતો આ નાથ નિર્વાણ પદનો નેહ ઉપજાવે છે. ફણા સાથે ૬૧ ઇંચ ઊંચા આ ત્રિભુવનપતિને નીરખતાં આત્મભાવની મસ્તી છતી થાય છે. ૪૫ ઈંચ પહોળો પ્રભુજીનો ખોળો ભકતના ભાવુકાત્માને ખેલવાનો હીંચોળો બની હરખાવે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું ઉજજવળ બિંબ સૂર્યપુરનગરમાં અધ્યાત્મની રોશની ફેલાવતું આજે પણ મોજુદ છે. આ પ્રતિમાના પરમ પ્રભાવથી રંગીલા સૂરતી લાલાઓ તેમના પરમ ભકત બનેલા જણાય છે.
સમ્રાટ અકબરના જીવનપરિવર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર શ્રી શાન્તિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે સં. ૧૬૭૯ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના શ્રેષ્ઠીએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રેષ્ઠીના નામ પરથી સૂરત શહેરનો મહત્ત્વનો વિસ્તાર “ગોપીપુરા’' તરીકે ઓળખાય છે. હાથીવાળા દેરાસર તરીકે ઓળખાતા મૂળનાયક શ્રી ધર્મનાથજીના દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી હીરવિજય સૂરીશ્વરજીએ સં.૧૬૬૪ ના જેઠ વદ પને સોમવારે કરી હતી.
વિ. સં. ૧૬૭૫માં વસ્તુપાલ ઓમજીએ અહીં 'હીરવિહાર” નામના ગુરુમંદિરમાં શ્રી હીરવિજયસૂરિ તથા સેનસૂરિજી મહારાજાની પાદુકાની ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી.
આ પરમાત્માના અલૌકિક રૂપ અને લોકોત્તર પ્રભાવને જાણીને અમદાવાદના શ્રી શાન્તિદાસ શેઠે આ પરમાત્માની સમક્ષ ચિંતામણિ મંત્રની આરાધના કરી હતી.
સૂરત શહેરના આભૂષણ સમા આ પરમાત્માનું ‘સૂરજમંડન’ નામ યથાર્થ છે."શ્રી જિન સહસ્ર નામ સ્તોત્ર'માં ઉપાધ્યાય શ્રી
વિનય વિજયજી મહારાજે સૂરતના શ્રી દિગ્ગજ પાર્શ્વનાથને નમસ્કાર કર્યા છે. “હાથીવાળા દેરા’' તરીકે ઓળખાતા જિનાલયમાં બિરાજતા આ પાર્શ્વનાથનું જ બીજું નામ ‘શ્રી દિગ્ગજ પાર્શ્વનાથ'હશે તેવું અનુમાન થઈ શકે.
પ્રાચીનતાના પુરાવા -
સં. ૧૭૨૧માં શ્રી મેઘવિજ્ય ઉપાધ્યાયે રચેલી "શ્રી પાર્શ્વનાથ નામમાલા”માં તેમણે સૂરજમંડન પાર્શ્વનાથને નમસ્કાર કર્યા છે.
સં. ૧૭૩૧માં ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી એ રચેલાં ‘શ્રી જિન સહસ્ર નામ સ્તોત્ર'માં તેમણે આ પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યો છે.
સં. ૧૭૪૬માં શ્રી શીલ વિજયે રચેલી તીર્થમાલામાં પણ આ પરમાત્માનો નામ નિર્દેશ જોવા મળે છે.
અઢારમાં સૈકામાં રચાયેલી કલ્યાણ સાગર કૃત 'શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી"માં સૂરતના પાર્શ્વનાથને તેમણે જુહાર્યા છે.
સં. ૧૭૯૩માં કવિ લાધાશાએ રચેલી “સુરત ચૈત્ય પરિપાટી'માં કવિએ સૂરતના શ્રી સૂરજમંડન પાર્શ્વનાથને જાહાર્યાનું પણ નોંધ્યું છે.
અઢારમાં સૈકામાં કવિશ્રી રામવિજયે રચેલા 'શ્રી વિનયરત્ન સૂરિરાસ''માં અંતે તેમણે શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું નામ સ્મરણ કર્યું છે.
સં. ૧૮૧૪માં કવિશ્રી રત્નવિજયે “ચોવીસી'ની રચના કરી છે. તેના અંતે તેમણે કળશ રચીને શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની સ્તવના કરી છે.
ઓગણીસમાં સૈકામાં કવિશ્રી દીપવિજયે રચેલી “સૂરતની ગઝલ”માં પણ આ પ્રતિમાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.
સં. ૧૮૮૧માં કવિશ્રી ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વ પ્રભુના ૧૦૮ નામના છંદ'માં સૂરજમંડન નામની પણ ૧૦૮ નામમાં ગણતરી કરવામાં આવી છે.
[5:22 pm, 10/05/2025] info: પ્રભુનાં ધામ અનેક
શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું મુખ્યતીર્થ સૂરત ગોપીપુરામાં છે. તદુપરાંત શિરસાળા (મહારાષ્ટ્ર), શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયમાં તથા શ્રી જીરાવલા તીર્થની ચોથી દેરીમાં પણ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ
અનેક મનોહર જિનાલયોથી વિભૂષિત સૂરત શહેર કાળના અનેક ફટકા પડવા છતાં આજે ઉન્નતિના શિખરે બેઠેલું છે. ઉદ્યોગ અને વ્યાપારનું મહત્ત્વનું કેન્દ્ર સૂરત જૈનધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું છે.
[5:24 pm, 10/05/2025] info: ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર, આગમમંદિર, અષ્ટાપદજીનું મંદિર આદિ અનેક મનોહર જિનાલયો તીર્થસદેશ છે.
અમદાવાદ, મુંબઈ રેલવે લાઈન પર આવેલું સૂરત અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનેલું છે.
સૂરતમાં સંખ્યાબંધ ઉપાશ્રયો, પાઠશાળાઓ, આયંબિલ-શાળાઓની સાથે જૈનોની લાખોની વસ્તી પણ છે. જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસો પ્રતિવર્ષ થાય છે. વર્તમાનમાં સૂરજ મંડન દેરાસરના જીર્ણોદ્વારનું કાર્ય ચાલુ છે.
ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર, આગમમંદિર, અષ્ટાપદજીનું મંદિર આદિ અનેક મનોહર જિનાલયો તીર્થસદેશ છે.
અમદાવાદ, મુંબઈ રેલવે લાઈન પર આવેલું સૂરત અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનેલું છે.
સૂરતમાં સંખ્યાબંધ ઉપાશ્રયો, પાઠશાળાઓ, આયંબિલ-શાળાઓની સાથે જૈનોની લાખોની વસ્તી પણ છે. જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસો પ્રતિવર્ષ થાય છે. વર્તમાનમાં સૂરજ મંડન દેરાસરના જીર્ણોદ્વારનું કાર્ય ચાલુ છે.