Home > Know Jainism > 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
Jainonline.org
• 13-May-2025
6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
69

પ્રથમ નજરે પ્રતિમા દર્શન -
રાંદેરના નિશાળ ફળિયામાં એક ધાબાબંધ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુની જમણી બાજુ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી બિરાજમાન છે. શ્યામ વર્ણના આ સોહામણા પ્રભુજી નેત્રોનું અંજન કરે છે, મનનું રંજન કરે છે, અને ભયનું ભંજન કરે છે, સહસ્ત્રફણાથી સંયુત આ સ્વામી વિઘ્નના વારિદનું વિસર્જન કરે છે. પદ્માંસને ને બિરાજમાન આ પરમાત્મા આંખોને આહ્ લાદ આપે છે. ૪૧ ઇંચ ઊંચા આ પ્રભુજી ૨૯ ઇંચ પહોળા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી
સૂરતની પાડોશમાં આવેલું રાંદેર પ્રાચીન ગામ છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનોની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાલા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે.
સં. ૧૭૯૩ના માગસર વદ ૧૦ને ગુરુવારે કટુકમતી લાધાશાહ વિરચિત સૂરત ચૈત્યપરિપાટીમાં સૂરતના ચૈત્યોને જુહાર્યા બાદ નિકટવર્તી સ્થળોની યાત્રા કરતાં રાંદેરના ચૈત્યોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે તે સમયે રાંદેરમાં ૧૪ દેરાસર અને ૧૪૩ જિનબિંબ હોવાનું નોંધ્યું છે.
આ દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વરજી પર ૧૬૮૩નો લેખ છે. આ ચૈત્ય સં. ૧૮૦૦ આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. અહીંનું શ્રી નેમિનાથજીનું જિનાલય ઘણું પ્રાચીન છે.
અહીંના ચૈત્યો મનોહર છે, બિંબો અલૌકિક છે, અને જૈનો ધર્મનિષ્ઠ છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિઘ્નના વંટોળનું વિસર્જન કરી ભકતને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું 'વિઘ્નહરા'નામ યથાર્થ છે.
સં. ૧૬૩૮માં રાંદેરમાં ચાતુર્માસ રહી શ્રી શ્રીપાળ મહારાજાના રાસની રચના કરતાં કરતાં પૂ મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી અહીં જ સ્વર્ગવાસ પામ્યા ને તેમના સંકેત પ્રમાણે પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાકીનો રાસ અહીંજ પૂર્ણ કર્યો
પ્રાચીનતાના પુરાવા –
સં. ૧૬૮૯માં મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરે રચેલી શ્રી સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં તેમણે રાંદેરનાં ચૈત્યોને પણ જુહાર્યા છે.
સં. ૧૬૦૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલાં ‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન ”માં શ્રી પાર્શ્વનાથપ્રભુના આ નામનો પણ ઉલ્લેખ છે.
કવિ શ્રી પ્રેમ વિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા''માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામને પણ ગૂંથવામાં આવ્યું છે.
શ્રી રત્નકુશળ કૃત “શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન"માં આ પાર્શ્વનાથની પણ ગણત્રી કરવામાં આવી છે.
સં ૧૭૨૧માં રચાયેલી મેઘવિજ્ય ઉપાધ્યાય કૃત “શ્રી પાર્શ્વનાથ નામમાલા"માં આ નામને પણ ગૂંથવામાં આવ્યું છે.
સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજયકૃત 'તીર્થમાલા”માં રાંદેર તીર્થનો પણ ઉલ્લેખ છે.
સં. ૧૭૫૫માં રચાયેલી “તીર્થમાલા”માં કવિવર શ્રી જ્ઞાન વિમલે રાંદેરના ચૈત્યોને ભેટતાં અનુભવેલા આનંદને વર્ણવ્યો છે.
સં. ૧૭૯૩માં કટુકમતી શ્રી લાધાશાહે રચેલી "સૂરત ચૈત્યપરિપાટી”માં રાંદેરના ચૈત્યોનો પણ ઉલ્લેખ છે.
પ્રભુનાં ઘામ અનેક
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજીનું મુખ્યતીર્થ રાંદેર જ છે. મંદસોરથી ૧૬ માઈલ દૂર આવેલા દેવગઢ તથા ઉદેપુરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથના જિનાલયો છે. વાલકેશ્વર (મુંબઈ)ના બાબુના દેરાસરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથની મનોહર પ્રતિમા અષ્ટમંગળ, નવગ્રહ, દશદિગ્ પાલ આદિથી યુકત પરિકરથી પરિવૃત હોવાથી ભવ્યતમ વૈશિષ્ઠયને ધારણ કરે છે. તદુપરાંત અંતરીક્ષજી આદિ અનેક સ્થળે શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથનાં બિંબો જોવા મળે છે.
પ્રભુના ઘામની પિછાણ —
રાંદેર સૂરતથી ૬ કિ.મી. દૂર નદી કિનારે આવેલું છે. પાંચ મનોહર ચૈત્યો રાંદેરનાં આભૂષણ છે. અહીંનાં જૈનોનો ધર્મ સ્નેહ માન ઉપજાવે તેવો છે. સૂરતના જૈનો અનેકવાર રાંદેરનાં ચૈત્યોને જૂહારવા આવે છે. જૈનોનાં ૧૫૦ ઘર છે. ઉપાશ્રય તથા ધર્મશાળા પણ વિધમાન છે.
શ્રી આદિનાથ નેમનાથ જૈન દેરાસરની પેઢી અહીંનાં
જિનાલયનો વહીવટ કરે છે.
નિકટમાં આવેલું સૂરત શહેર અનેક ભવ્ય જિનાલયોથી સુવિભૂષિત છે.
નિકટનું રેલવે સ્ટેશન સૂરત છે. સૂરતથી બસ રિક્ષા વગેરે વાહનો દ્વારા રાંદેર જવાય છે.