Home > Know Jainism > 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ
jainonline.org
• 19-May-2025
10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ
10

પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
વાસનાના વાદળોને વિખેરીને આતમ આદિત્યને અનાવરિત કરતો પ્રચંડ વાયુ જાણે આ વેળના બિંબમાંથી વહી રહથો છે. અર્ચકના અપાર ભવાબ્ધિને હસ્તાંજલિ સમો કરી દેવાની કોઈ યાંત્રિક પ્રક્રિયા જાણે આ શ્યામ બિંબમાં થઈ રહી છે? શ્યામવર્ણા સાતકુણાથી શોભતા આ પ્રભુજીને દેખ્યા પછી દુનિયામાં બીજું દેખવા જેવું છે પણ શું? આત્માના અરૂપીપણાની અલૌકિક આકૃતિ ઘડી દેતો આ જાણે કોઈ અર્ધ પદમાસનારૂઢ અજોડ શિલ્પી! નમનારની નીચતાઓને નીચોવી દેતા પ્રભુજી ૪૧ ઈંચ ઊંચા છે. ભગતના ભવપંથની લંબાઈને ટુકાવી દેતા આ પ્રભુજી ૩૩ ઈંચ પહોળા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
દર્શકના દિલને ડોલાવી દેતા આ નયન રમ્ય શ્યામલ પ્રતિમાજીનાઉદ્ભવનો ઈતિહાસ રસિક અને રોમાંચક છે. આ પ્રતિમા એક ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીની વ્રત દ્રઢતાનું પ્રતીક છે.
પોઠો ભરીને ગામે ગામ વ્યવસાયાર્થે વિચરતો સાગરદત્ત નામનો શ્રેષ્ઠી દર્ભાવતી નગરીમાં આવી ચડયો. આ વ્રતધારી શ્રાવક ચાર્તુમાસના દિવસોમાં દર્ભાવતીમાં સ્થિર થયો. પરમાત્માના પૂજન બાદ જ ભોજન લેવાની પ્રતિજ્ઞા હતી. પોતાના વ્રત પાલનની સરળતા માટે માતાના કહેવાથી તેણે વેળુના એક મનોહર બિંબને નિર્મિત કરી પોતાના ગૃહમંદિરમાં પધરાવ્યા. આ પ્રતિમાની તે નિત્ય ભાવોલ્લાસથી પૂજા કરતો.
ચાર્તુમાસ પૂર્ણ થતાં આ વ્યવહારી સ્વદેશ જવા તૈયાર થયો. ત્યારે આ પ્રતિમાજી તેણે શહેરની મધ્યમાં આવેલા એક કૂવામાં પધરાવ્યાં.
વ્યવસાયાર્થે આ સાર્થવાહને પુન: દર્ભાવતી આવવાનું થયું મધ્યરાત્રિએ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કૂવામાંથી પ્રતિમાજીને બહાર કાઢવા તેને આદેશ કર્યો. પ્રભાતે તેણે સ્થાનિક સંઘને પોતાના કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી.
તેના સ્વપ્નની વાત વાયુવેગે પ્રસરી ગઈ. અન્યધર્મીઓએ પણ આ મૂર્તિ ઉપર પોતાનો હક પ્રદર્શિત કર્યો. જે પ્રતિમાજીને કૂવામાંથી બહાર કાઢે તે સંપ્રદાય આ પ્રતિમાનો અધિકારી બને તેવો નિર્ણય થયો. અન્ય સંપ્રદાયના સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. જૈનોએ કુંવારી કન્યા પાસે કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી
કૂવામાં ઉતરાવી, પ્રતિમાજી આપમેળે ચાળણીમાં બેઠાં અને કૂવામાંથી બહાર આવ્યા. જૈન શાસનના જયજયકારના મંગળનાદોથી વાતાવરણ ગુંજી ઉઠયું.
સારથિ વગરના બળદગાડામાં પ્રભુજીને પધરાવ્યાં. ગાડું જ્યાં ઊભું રહયું ત્યાં ભવ્ય જિનાલયને બંધાવી પરમાત્માને સ્થાપિત કરવામાં આવ્યા.
કૂવાના પાણીમાં ઘણો કાળ રહેવા છતાં વેળુની આ પ્રતિમાજીનો એક કણ પણ ખર્યો નહિં અને વેળુ પિંડ લોઢા જેવો બની રહયો, તેથી આ પ્રતિમાજી 'લોઢણ'ના નામથી પ્રસિદ્ધ થયાં.
આ ઘટના ૬૦૦ થી પણ અધિક વર્ષો પૂર્વે બની હોવાનું કહેવાય છે. સં. ૧૯૯૦માં આ જિનાલયનો જીર્ણોદ્વાર થયો. જિનાલયના ઉપરના ભાગમાં શ્રી શીતલનાથ મૂળનાયક છે. શ્રી લોઢણ પાર્શ્વનાથજી ભોંયરામાં બિરાજે છે.
વેળુંના બનેલાં આ પ્રતિમાજી "શ્રી વેલુ પાર્શ્વનાથ”ના નામથી પણ ઓળખાય છે. આ પ્રભાવક પ્રભુજીનું ચૈત્યવંદન કરતા એક બેનને તાજેતરમાં જ નાગદેવે દર્શન આપ્યા હતા.
પ્રાચીનતાનાં પૂરાવા-
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમ વિજયકૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં આ નામને પણ ગુંથવામાં આવ્યું છે.
સં. ૧૬૫૬મા કવિ નયસુંદરે “શ્રી શંખેશ્વરપાર્શ્વનાથના છંદ'માં દુ:ખનું ખંડન કરનારા આ પાર્શ્વનાથની સ્તુતિ કરી છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિવરના “શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં આ પાર્શ્વપ્રભુના નામનો નિર્દેશ કરેલો છે.
સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશળે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં પણ આ પાર્શ્વનાથનો નામોલ્લેખ છે.
સત્તરમાં સૈકામાં રચાયેલા શ્રી રત્નકુશલ કૃત ‘‘શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં પણ આ નામનો ઉલ્લેખ છે.
અઢારમાં સૈકામાં રચાયેલી શ્રી કલ્યાણ સાગર કૃત “શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી'' તથા શ્રી જ્ઞાનવિમલ કૃત ‘૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં પણ શ્રી લોઢણ પાર્શ્વનાથની
સ્તવના થયેલી છે.
સં. ૧૬૮૯માં શ્રી ગુણવિજય ના શિષ્યે રચેલા‘‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં આ પાર્શ્વનાથને ડભોઈના શૃંગાર સ્વરૂપ ગણાવેલા છે.
સં. ૧૭૨૧માં રચાયેલી શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત "શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પણ આ નામ ગ્રથિત થયેલું છે.
સંવત ૧૮૮૧માં ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ'માં પણ આ પ્રભુજીની સ્તુતિ થયેલી છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી લોઢણ પાર્શ્વનાથજી ડભોઈમાં બિરાજે છે. તદુપરાંત શાંતાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ આ નામનાં પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
વડોદરાથી ૩૨ કી.મી. દૂર આવેલું ડભોઈ રેલવે સ્ટેશન પણ
છે.જમીન અને રેલવે માર્ગે ડભોઈ ગુજરાતના અનેક શહેરો સાથે જોડાયેલું છે.
પ્રાચીન કાળથી ડભોઈ જૈન પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આજે પણ અનેક જિનાલયો, ઉપાશ્રયો, ધર્મશાળા, ભોજન શાળા, આંયબીલ શાળા, જ્ઞાન ભંડારો વગેરેથી આ શહેર અલંકૃત છે. આ નગરીના શ્રાવકોનો ધર્મપ્રેમ સુવિખ્યાત છે. અહીંનો હીરા ભાગોળનો કિલ્લો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.