Home > Know Jainism > 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ
jainonline.org
• 20-May-2025
11 . શ્રી વિમલ પાર્શ્વનાથ
10

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
મુખની મ્લાનિ અને મનના માલિન્થનું મારણ કરતા શ્રી વિમલ પાર્શ્વનાથજી શ્વેત પાષાણના છે. સાતફણાથી અલંકૃત આ અરિહંતની અર્ચના આનંદ ઉપજાવે છે. પદ્માસને બિરાજમાન આ પ્રતિમાજી ૧૩ ઈંચ ઊંચા અને ૧૧ ઈંચ પહોળાં છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
દર્ભાવતી અને વટપદ્ર જેવાં પ્રાચીન વૈભવપૂર્ણ નગરોની નિકટમાં આવેલી છાયાપુરી નામની આ નગરી પણ પ્રાચીન છે. જો કે આ નગરી સંબંધી બહુ પ્રાચીન પુરાવા તો ઉપલબ્ધ નથી. સં. ૧૮૨૧ની સાલની એક હસ્તલિખિત પ્રતના રાસ ઉપરથી પ્રતીત થાય છે કે છાણીમાં તે કાળે પાંચ મનોહર ચૈત્યો શોભતાં હતાં. સંભવ છે કે આ જિનાલયો જીર્ણ થતાં તેમનો જીર્ણોદ્વાર કરી એકજ પ્રાસાદમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોય.
એક અનુશ્રુતિ અનુસાર આ નગર એ પૂર્વે લશ્કરી છાવણીનું મથક હતું. “છાવણી” પરથી આ ગામ છાણી નામથી પ્રસિદ્ધ થયું.
અહીં શ્રાવકના મહોલ્લામાં શ્રી શાંતિનાથ સ્વામીનો ભવ્ય જિનપ્રાસાદ છે. સં. ૧૯૫૧માં આ પ્રભુજીની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ જ જિનપ્રાસાદના પટાંગણમાં એક બાજુ શ્રી વિમલ પાર્શ્વનાથનું નાનકડું જિનાલય છે. વિ. સં. ૧૮૯૩માં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતાં.
આ જ પટાંગણમાં મુખ્ય જિનપ્રાસાદની બીજી બાજુ શ્રી મહાવીર સ્વામીનું જિનાલય છે. આ પ્રભુજીને સં.૨૦૨૦માં પ્રતિષ્ઠિત કરાયા હતા..
કોઠારી ફળિયામાં સં. ૧૯૪૪માં શેઠ બાપુલાલ શિવલાલે શ્રી કુંથુનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું. આ દેરાસરના ઉપલા માળે ચૌમુખજી બિરાજમાન છે.
અનાદિકાળથી આત્માને અથડાવતા કર્મમલને દૂર કરી આત્માને વિમલ કરી આપતા આ પ્રભુજીનું ‘વિમલ’” નામ રહસ્ય યુકત છે.
પ્રાચીનતાનાં પુરાવા –
શ્રી વિમલ પાર્શ્વનાથ ઘણા પ્રાચીન હોવા છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની કોઈ નામમાલામાં આ નામનો ઉલ્લેખ નહી
જણાતા આશ્ચર્ય ઊપજે છે.
સં. ૧૬૫૫ના આસો સુદ દસમીના દિને રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા''માં "છાયાપુર પાર્શ્વનાથ” નામનો ઉલ્લેખ છે. અનુમાનથી કહી શકાય કે તે છાયાપુર પાર્શ્વનાથ એજ આ વિમલ પાર્શ્વનાથ હોવા જોઈએ.
પ્રભુનાં ધામ અનેક
શ્રી વિમલ પાર્શ્વનાથનું એક માત્ર તીર્થ છાણી શ્રાવકના મહોલ્લામાં આવેલું છે.
પ્રભુનાં ઘામની પિછાણ
વડોદરાથી ૮ કી.મી. દૂર આવેલું તીર્થ છાયાપુરી રેલવે સ્ટેશનથી ૧ કી.મી. દૂર છે.
અહીના જૈનોની ધર્મનિષ્ઠા ડગલેને પગલે છતી થાય છે. દેરાસરમાં જઈને જોઈએ તો સહુને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરતા નિહાળી આનંદ ઊપજે છે. ગામના સર્વ જૈનો સ્વદ્રવ્યથી જ જિન પૂજા કરતાં હોય તેવુ પ્રાય: આ એક જ ગામ હશે. અહીંના બાળકો પણ જૈન ધર્મના પાયાના નિયમોના ચુસ્ત પાલક છે. જૈનોના પ્રત્યેક વ્યવહારમાં જૈનત્વ વણાઈ ગયેલું સ્પષ્ટ જણાય છે.
આ ગામની સૌથી ગૌરવપૂર્ણ બીના એ છે કે અહીંના પ્રાય: પ્રત્યેક કુટુંબે જધન્યથી એક સંયમધરની તો શાસનને ભેટ ઘરી જ છે. વર્તમાનમાં વિચરતા અને સંયમની સુંદર સાધના કરતા ૧૨૫થી પણ અધિક છાણીનાં સાધુ-સાધ્વીઓ એ છાણીનું ગૌરવ છે. વડોદરા નરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડે "દીક્ષાની ખાણ” કહીને છાણીના ગૌરવની કદર કરી હતી. સદ્ધર્મ સંરક્ષક પૂ આચાર્ય દેવ શ્રી કમલ સૂરીશ્વરજી મ.થી કેળવાયેલી આ ધર્મધરિત્રીએ વર્તમાનના મહાન પુરુષો પૂ. આચાર્ય દેવ શ્રીમદ્રૂિજય ભુવનતિલકસૂરીશ્વરજી, પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજયવિક્રમસૂરિશ્વરજી પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય નવીન સૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકર સૂરીશ્વરજી,આદિ અનેક સમર્થ સૂરિપુંગવો તથા મુનિ-પુંગવોની જન્મભૂમિ બનવાનું સૌભાગ્ય મેળવ્યું છે.
અહીં પ્રાચીન જ્ઞાન ભંડાર તથા ઉપાશ્રયો આવેલા છે. કુલ ૪ જિનાલયો અહીં શોભે છે. અહીંના જિનાલયો યાત્રા કરવા લાયક છે.
અને અહીંના જૈનોની ધાર્મિકતા નિહાળવા જેવી છે.