Home > Know Jainism > શ્રી વજ્રસ્વામી
Jainonline.org
• 20-May-2025
શ્રી વજ્રસ્વામી
33
.png)
શ્રી વજ્રસ્વામી
સુનંદા બે જીવવાળી થઈ છે એ ખબર પડતાંની સાથે જ પહેલાં થયેલી શરત મુજબ તેનો પતિ પ્રભુ વીરના પંથે દીક્ષા લેવા નીકળી પડ્યો. સુનંદાની કુખે વજ્રસ્વામીએ જન્મ લીધો. જન્મતાં જ ઘરડી ડોસીઓના મુખેથી વજ્રસ્વામીએ સાંભળ્યું : 'આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મ મહોત્સવ ધામધૂમથી ઊજવાત.' આ શબ્દો સાંભળતાં જ તરતના જન્મેલા બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લઈ કલ્યાણ કરવાની ભાવના થઈ. એમને થયું કે, માતા મારા જેવા બાળકને દીક્ષા નહીં અપાવે, તેથી માતાને કંટાળો આપવા એમણે રડવાનું શરૂ કર્યું. એક-બે દિવસ નહીં, એક-બે મહિના નહીં પણ સતત છ મહિના સુધી એ રડતા રહ્યા. કેટકેટલા ઉચ્ચ સંસ્કારો એ બાળકના આત્મામાં ભર્યા હશે ત્યારે જ તે દીક્ષા લેવાની ભાવનાએ રડી રહ્યા હશે ને ? આ સતત રુદનથી મા કંટાળી, તેણે સાધુ થયેલા પોતાના ધણી જ્યાં હતા તે ઉપાશ્રયે જઈ,
'લો ! આ તમારો દીકરો, હું તો થાકી ગઈ, છાનો જ રહેતો નથી, સંભાળો તમે.' એમ કહી છ મહિનાના નાના બાળક વજ્રસ્વામીને વહોરાવી દીધો.
શ્રાવિકા બહેનો તેની સારસંભાળ રાખે છે. સાધ્વીજીઓની પાસે પારણામાં એ ઝૂલી રહ્યા છે. પારણામાં જ સાધ્વીજી ભણતાં હતાં તે બધું સાંભળતાં સાંભળતાં એ અગિયાર અંગ ભણી ગયા.
સુનંદા હવે વિચારે છે, 'આવા હોશિયાર બાળકને મેં વહોરાવી દીધો, એ ઠીક ન કર્યું." એમ વિચારીને માતા બાળકને પાછો લેવા જાય છે. ગુરુ મહારાજ અને સંઘે પાછો આપવાની ના પાડી એટલે માતાએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. રાજાએ ન્યાય તોળ્યો: 'જેની પાસે જાય તેનો આ બાળક.' માતાએ રમકડાં, મીઠાઈઓ વગેરે અનેક વસ્તુઓ બાળકને લોભાવવા મૂકી, પણ સાધુ મહારાજે તો ઓઘો અને મુહપત્તિ મૂક્યા. રાજા વચ્ચે ઊભા છે. સંઘ જોઈ રહ્યો છે. માતા માને છે કે હમણાં બાળક મારી પાસે આવશે ને મને મળશે.
બાળક તો મહા સંસ્કારી હતો. વૈરાગી હતો એટલે એ રમકડાં કે મીઠાઈથી લોભાય તેવો નહોતો. તે તો તરત જ ઓધો અને મુહપત્તિ લઈ નાચવા લાગ્યો અને જૈન શાસનનો જય જયકાર થયો.
આ બાળક નામે વજ્રસ્વામી, ૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. બે વખત દેવોએ લીધેલી પરીક્ષામાં પાસ થયા. દેવોએ પ્રસન્ન થઈ વૈક્રિયલબ્ધિ અને આકાશમાં ઊડવાની વિદ્યા આપી.
તેમણે બૌદ્ધ રાજાને બોધ આપી જૈન ધર્મી બનાવ્યો. એક વાર સોનામહોરો લઈ કોઈ સ્ત્રી વજ્રસ્વામી સાથે લગ્ન કરવા આવી તેને બોધ આપી વિદાય કરી. દુકાળના સમયે તેમણે સંઘનું રક્ષણ કર્યું. પોતે ભદ્રગુપ્ત આચાર્ય પાસે દશપૂર્વનો અભ્યાસ કર્યો હતો. તેમણે આર્યરક્ષિત સૂરી મહારાજને સાડા નવ પૂર્વનો અભ્યાસ કરાવ્યો. છેલ્લે વજ્રસેન નામના મોટા શિષ્યને પાટ ઉપર સ્થાપી પોતે અનેક સાધુઓ સાથે સ્થાવર્તગિરિ ઉપર જઈ તપ આદર્યું. તપના પ્રભાવે ઇંદ્ર મહારાજા વંદનાર્થે આવ્યા. તેમણે જૈન શાસનની વિજય પતાકા ફરકાવી અને શાસનની ઉન્નતિનાં અનેક કાર્યો કરી સ્વર્ગે સિધાવ્યા.