Home > Know Jainism > Shri mantungsuriji
Jainonline.org
• 26-May-2025
Shri mantungsuriji
2390

શ્રી માનતુંગસૂરિ
ભોજરાજાની ધારા નગરીમાં બાણ અને મયૂર નામના સાળા બનેવી બે પંડિતો રહેતા હતા. બન્ને જણ પોતાની પંડિતાઈ માટે પરસ્પર ઈર્ષા ધરાવતા હતા. બન્ને જણાએ પોતપોતાની પંડિતાઈથી રાજ્યસભામાં સારી પ્રતિષ્ઠા મેળવી. બન્ને રાજમાન્ય પંડિતો હતા.
એક વખત બાણ કવિ પોતાની બહેનને મળવા માટે તેના એટલે કે મયુરના ઘેર ગયો. તેની સારી સરભરા કરી રાત્રે ઓસરીમાં બિછાનું પાથરી તેને સુવાડ્યો. ઘરમાં મયૂર અને તેની સ્ત્રી એટલે કે બાણની બહેન સૂતાં. પણ દંપતીને રાત્રિ વખતે કોઈક વાતની તકરાર થઈ પડી. તે બધી તકરાર બહાર સૂતેલા બાણે સાંભળી લીધી. મયૂર તેની સ્ત્રીને ઘણું ઘણું સમજાવે છે પણ તે સ્ત્રી માનતી નથી.
પછી સવાર થવા આવતાં મયૂર તેણીને મનાવવા એક કવિતા બોલવા લાગ્યો. તેમાંનાં ત્રણ પદ જ્યારે તેણીને સંભળાવ્યાં ત્યારે બહાર સૂતેલા બાણથી રહેવાયું નહીં, તેથી ચોથું પદ તેણે પૂર્ણ કર્યું. તે સાંભળી તેની બહેનને ઘણી જ રીસ ચઢી. પોતાના મીઠા કલહમાં અણછાજતી રીતે ભાઈની દખલગિરિ થવાથી તેને એવો શ્રાપ આપ્યો કે, જા તું "કુષ્ટિ" કોઢિયો થઈશ.
તે સ્ત્રી સતી હતી, તેથી બાણકવિ તરત જ કોઢિયો થઈ ગયો. પ્રાત: કાળે રાજસભામાં મયૂર કવિ પહેલાંથી બેઠેલા હતો, તેથી જ્યારે બાણ કવિ આવ્યો ત્યારે તેને કહ્યું કે, "આવો આવો, કોઢીઆ બાણ આવો."
મયૂરનાં આવા વચન સાંભળી રાજા ભોજ બોલ્યા કે, એને કોઢ શી રીતે થયો. એટલે મયૂરે બધી વાત ત્યાં જણાવી. એટલું જ નહીં પણ પ્રત્યક્ષ બાણનાં અંગો ઉપર કોઢનાં સફેદ ચાઠાં બતાવ્યાં. તેથી ભોજરાજાએ એવો હુકમ કર્યો કે, જયાં સુધી બાણકવિને કોઢ મટે નહીં ત્યાં સુધી એને રાજસભામાં આવવાની તેમ જ નગરમાં રહેવાની સખ્ત મનાઈ ફરમાવાઈ.
આવા કારણથી બાણ કવિ ઘણો જ લજવાઈ ગયો અને અભિમાનમાં આવી જઈ તરત જ ત્યાંથી ઊઠીને નગર બહાર ચાલ્યો ગયો. નગર બહાર સામસામા બે વાંસડાના સ્તંભ આરોપી, વચ્ચે ઊંચી દોરી બાંધી. તેમાં એક છ બંધનવાળું સીંકુ બાંધી, તેમાં તે બાણ કવિ પોતે બેઠો અને નીચે અગ્નિકુંડ સળગાવી, સૂર્યદેવતાની સ્તવના સંબંધી એકેક કાવ્ય રચી, બોલીને એકેક સીંકાની દોરી પોતાના હાથથી જ છેદી નાખતાં પાંચ કાવ્યો બોલી પાંચ દોરીઓ છેદી નાખી છેવટની દોરી છઠા કાવ્ય બોલાવાને અંતે જયારે કાપવાનો આરંભ કરે છે, તે વખતે જોવા મળેલા પુષ્કળ માણસોની ભીડ વચ્ચે સૂર્યદેવતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યું. એટલું જ નહીં પણ તેનો કોઢ દૂર કરી સુવર્ણ ક્રાંતિ જેવું શરીર કરી આપ્યું.
આવો બનાવ બનવાથી બીજે દિવસે રાજાએ તેને ઘણા ઠાઠથી ગાજતે વાજતે દરબારમાં બોલાવ્યો. જ્યારે આવ્યો ત્યારે તેણે પોતાના બનેવી મયુરકવિને કહ્યું કે, "કાળા મોં વાળા કાગડા જેવા ક્ષુદ્ર પંખી ! ગુરુડ જેવા મારા આગળ તારી શી શક્તિ છે ? જો શક્તિ હોય તો દેખાડને ? બેસી કેમ રહ્યો છે ?"
તે વખતે મયૂર બોલ્યો કે છે, છે, છે, અમારામાં પણ એવી શક્તિ છે. જો કે નીરોગીને ઔષધની કંઈ જરૂર નથી, તો પણ તારા વચનને અન્યથા કરવા હું મારી શક્તિ આ સભા સમક્ષ બતાવી દઉં છું તે તું તારી આંખો ઉઘાડીને જો. એમ કહીને તરત જ તેણે એક છરી મંગાવી, પોતાના હાથ-પગની આંગળીઓ પોતાના હાથે જ છેદી નાખી અને ચંડી દેવીની સ્તવના કરતાં, કાવ્ય રચી બોલતાં, કવિતાના છઠ્ઠા જ અક્ષરનો ઉચ્ચાર કરતાં, દેવી પ્રસન્ન થઈ આવી ઊભી રહી. એ બોલી કે, "મહા સાત્વિક! માંગ, હું તારા પર પ્રસન્ન છું, તું જે માગે તે આપું.
" તેણે તરત જ દેવીની પાસેથી વર માગી પોતાની છેદેલી આંગળીઓ સાજી કરાવી. એટલું જ નહીં પણ પ્રસન્ન થયેલી દેવીએ તેનું વજ્રમય દૃઢ શરીર કરી આપ્યું.
આ ચમત્કાર દેખી આખી સભા આશ્ચર્ય પામી ગઈ. આથી રાજાએ તેનું ઘણું જ સન્માન કર્યું, એટલું જ નહીં પણ તેના વર્ષાસનમાં પણ ઘણો વધારો કરી આપ્યો.
આવા અવસરે જૈન ધર્મ ઉપર દ્વેષ ધરનારા કોઈક વિપ્રે સભા વચ્ચે વાત ચલાવી કે, જૈન ધર્મમાં આવી ચમત્કારિક કવિતા રચનારા પંડિતો કોઈ પણ જોવામાં આવ્યા નથી. જો આવી ચમત્કારિક કવિતાઓ રચવામાં કોઈ પણ પોતાની ચાલાકી દેખાડે તો ઠીક જ છે પરંતુ જો એવા કોઈ પણ પ્રભાવક તેઓમાં ન જ હોય ત્યારે ફોગટ શું કરવા આપણા આ આર્ય દેશમાં તેઓને આવ જા કરવા દેવા જોઈએ વારુ ?
સભામાં બેઠેલાઓમાં મોટા ભાગના જૈનના દ્વેષી હોવાથી બધાઓનું આ વાતમાં ધ્યાન ખેંચાયું. જેથી રાજાએ તરત જ પોતાના સેવકોને મોકલી દૂર દેશમાં વિચરતા શ્રી માનતુંગાચાર્ય નામના જૈનાચાર્યને રૂબરૂ બોલાવ્યા અને પૂછ્યું કે, તમારામાં કોઈ પણ ચમત્કારિક કવિતાઓ રચવામાં પ્રવીણ હોય, તો અમોને બતાવી આપો. જો કોઈ પણ તમારામાં એવો વિદ્વાન ન હોય, તો તમારા માટે કંઈ પણ અમારે વિચાર કરવો પડશે.
માનતુંગાચાર્યે કહ્યું કે, ઓહો! એમાં તે શું? એવા ચમત્કાર તો હું ઘણા જાણું છું. રાજાએ કહ્યું કે, તો હમણાં જ બતાવો.
માનતુંગાચાર્યે હા કહી અને કહ્યું, મને એક ઓરડામાં પૂરી અને મારા શરીરને ચારે બાજુ લોખંડની સાંકળથી બાંધો. હાથે પગે બેડીઓ બાંધો. બારણાં બંધ કરી તેને ચુમાલીશ તાળાં મારો. હું સ્તોત્ર રચતો જઈશ અને બેડીઓ, સાંકળો અને તાળાઓ તૂટતાં જશે અને હું ઓરડાની બહાર આવીશ.”
રાજાએ તાત્કાલિક આ રીતે પ્રબંધ કરાવી, શ્રી માનતુંગાચાર્યને એક ઓરડામાં બેસાડી, સાંકળ વગેરે બાંધી, બારણાં બંધ કરી ચુમાલીશ તાળાં માર્યાં.
શ્રી માનતુંગાચાર્યે પ્રભુ આદેશ્વરની પ્રાર્થના કરી, હ્રદયમાં શ્રી આદેશ્વર તિર્થંકરને સ્થાપ્યા અને એક પછી એક ભક્તામર સ્તોત્રની ગાથા પોતાની અનોખી કવિત્વ શક્તિથી બનાવતા ગયા અને બધાને સંભળાવતા ગયા. જેમ જેમ ગાથા બોલતા ગયા, તેમ તેમ સાંકળો-બેડીઓ અને તાળાં તૂટતાં ગયાં અને છેલ્લી ગાથા બોલી મહારાજશ્રી તદ્દન બંધન મુક્ત થઈ ઓરડાની બહાર આવ્યા.
રાજા, રાજ્ય સભા અને પુષ્કળ લોકોએ આ ચમત્કાર જોયો અને આવો ચમત્કાર દેખી જૈન શાસનની મોટી ઉન્નતિ થઈ. એટલું જ નહીં પણ રાજા તેમ જ સભાનો મોટો ભાગ જે જૈનોના દ્વેષી હતા, તે પણ ભદ્રિક થયા અને છેવટે જૈન ધર્મનો બોધ પામ્યા.
જે ચુમાલીશ ગાથાઓની તેઓએ રચના કરી, તે આજે 'ભક્તામર સ્તોત્ર' નામથી સુપ્રસિદ્ધ છે. દિગમ્બર લોકો તેમાં ચાર ગાથા ઉમેરીને તેની ૪૮ ગાથાઓનો પાઠ પણ કરે છે.
માનતુંગસૂરિજી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો.
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનનાં મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...
https://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati