Home > Know Jainism > 49 . શ્રી જોટીંગડા પાર્શ્વનાથ
Jainonline.org
• 2-Jul-2025
49 . શ્રી જોટીંગડા પાર્શ્વનાથ
7
પ્રથમ નજરે પ્રતિમાદર્શન-
મુંજપુર તીર્થમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાનનાં ઘુંમટબંધ જિનાલયમાં મૂળનાયક પ્રભુની જમણી બાજુમાં શ્રી જોટીંગડા પાર્શ્વનાથજી બિરાજે છે. આ પ્રાચીન પ્રતિમાજી શ્વેત પાષાણનાં અને મનોહર છે. આ પ્રતિમાના મસ્તકે ફણા નથી અને પદ્માંસને બિરાજે છે. પ્રતિમાજીની ઊંચાઇ ૨૮ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચ છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન હોવાનું અનુમાન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
શ્રી શંખેશ્વર મહાતીર્થનું નિકટવર્તી મુંજપુર એક પ્રાચીન અને ઐતિહાસિક ગામ છે. શંખેશ્વરજી તીર્થના એક પડોશી તરીકે સૈકાઓથી મુંજપુર સાક્ષી બની રહેલું છે.
મુંજપુર ગામની સ્થાપનાનો નિર્દેશ કરતું એક મુકતક લોક જીભે ચડેલું છે.
“ભોજરાજ સંઘલ હણ્યો, ને પુત્ર રાજ્યકારણ, તે હત્યા ઉતારવા આવ્યો ક્ષેત્ર ધર્મારણ્ય. પરમારવંશ પ્રથીને અમલ, છત્ર ધર્યો રાય ભોજ શિર, વાસિયો મુંજે મુંજપુર, સંવત ત્રણ ઇકલંતર”
આ લોકોકૃિત અનુસાર પરમારવંશીય રાજા મુંજે સં. ૧૦૦૩માં મુંજપુર ગામ વસાવ્યું હતું. મૂળરાજ સોલંકીએ આ ગામ એક પંડિતને દાનમાં આપ્યું હોવાનું પણ જાણવા મળે છે.
તેથી મુંજપુર અગિયારમાં સૈકાનું હોવાનું અનુમાન થાય છે. મતાંતરે આ ગામ સં. ૧૩૦૧માં મુંજ રાજાએ વસાવ્યું હોવાનું મનાય છે.
“સોમ સૌભાગ્ય” કાવ્ય અનુસાર, પંદરમાં પીસૈકામાં મુજિંગ નગરના મુંટ નામના શ્રેષ્ઠીએ ધાતુની અસંખ્ય ચોવીસીનાં બિંબો ભરાવ્યાં અને સોમસુંદરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી આ મુજિંગનગર એ હાલનું મુંજપુર હોવાનું મનાય છે. આ અનુમાન જો સત્ય હોય તો પંદરમાં સૈકામાં અહીં મંદિર હોવાનું અનુમાન થઈ શકે.
સં. ૧૫૬૯માં કુતબપુરાપક્ષીય તપાગચ્છાધિરાજ શ્રી ઇંદ્રનંદસૂરિના ઉપદેશથી મુજિંગપુરના શ્રી સંઘે નાડલાઈના દેરાસરમાં દેવકુલિકાઓ કરાવી એવું એક શિલાલેખ પરથી જાણવા મળે છે. સં. ૧૬૭૨ના જેઠ સુદ-રના દિવસે મુંજપુરના રહેવાસી વોરા સાજણ નામના શ્રેષ્ઠી પરિવારે શંખેશ્વર મહાતીર્થમાં જૂના દેરાસરની ભમતીમાં દક્ષિણ દિશા તરફનો મોટો ગભારો બંધાવ્યો હતો. આ ઉલ્લેખ જૂના દેરાસરના એક શિલાલેખ પરથી પ્રાપ્ત થયો છે.
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી "પાટણ ચૈત્ય પરિપાટી”માં તે સમયે મુંજપુરમાં ત્રણ દેરાસર હોવાનું તેમણે જણાવ્યું છે.
સં. ૧૬૬૭માં રચાયેલા એક સ્તવનમાં મુંજપુરમાં જોટીંગડા પાર્શ્વનાથનું દેરાસર હોવાનું નોંધાયેલું છે. વર્તમાનમાં તે જોટીંગડા પાર્શ્વનાથનું સ્વતંત્ર જિનાલય નથી. સં. ૧૬૬૭ની સાલ સુધી તો જોટીંગડા પાર્શ્વનાથનું અલગ દેરાસર હતું અને ફુલ ત્રણ દેરાસર હતાં. તે ઉપરનાં પ્રમાણોથી સ્પષ્ટ થાય છે.
ત્રીજું દેરાસર કયારે નાશ પામ્યું અને પ્રતિમાજીને કયારે આ દેરાસરમાં પધરાવવામાં આવ્યાં તે જાણકારી પ્રાપ્ત થતી નથી.
સં. ૧૭૧૫થી ૧૭૬૪ વચ્ચેના ઔરંગઝેબના રાજ્યકાળમાં તેના આદેશથી અમદાવાદના સૂબાએ તે સમયના અહીંના ઠાકોર સરદાર હમીરસિંહને શરણે લાવવા મુંજપુર ઉપર ફોજ મોકલી હતી. સૈનિકોએ મુંજપુરનો કિલ્લો તોડી પાડયો. સરદાર હમીરસિંહ લડાઈમાં મૃત્યુ પામ્યો તે સમયે આ મંદિર પણ તોડી નાખવામાં આવ્યું હશે તેમ અનુમાન છે. અને પ્રતિમાજી શાંતિનાથના દેરાસરમાં પધરાવ્યાં હશે. મુંજપુર જીતીને પાછા ફરતાં સૂબાએ શંખેશ્વરજીનું મનોહર મંદિર પણ તોડી નાખ્યું. હાથમાં આવેલી મૂર્તિઓ ખંડિત કરી નાખી. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને સુરક્ષા માટે અગાઉથી ભોંયરામાં સંતાડી દેવામાં આવ્યા હતા. ગામના નામ પરથી આ પાર્શ્વનાથ મુંજપુરા પાર્શ્વનાથના નામે પણ ઓળખાય છે. જોટીંગા કે જોટીંગડા નામથી આ પાર્શ્વનાથ વધુ પ્રચલિત છે.
પ્રતિમાજી સંપ્રતિકાલીન હોવાનું મનાય છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીનું આ દેરાસર ૪૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. બીજું શ્રી ગોડી પાર્શ્વનાથનું દેરાસર બે મજલાનું અને શિખરબદ્ધ છે. શ્રી શાંતિનાથના દેરાસરનો માગશર સુદ-૧૧નો પ્રતિષ્ઠાદિન પ્રતિવર્ષ ઊજવાય છે. સં. ૨૦૦૧માં છેલ્લો જીર્ણોદ્વાર થયેલો છે. જિનાલયમાં ચાર કમાન નવ તોરણ અને છતની કોતરણી દર્શનીય છે. પ્રાચીનતાના પુરાવા —
મુંજપુર તીર્થના ઈતિહાસને અવલોકતા તેની પ્રાચીનતાના કેટલાક પુરાવાઓ પર દૈષ્ટિપાત થયો.
તદુપરાંત પણ મળતા કેટલાક ઉલ્લેખો આ તીર્થની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. સં. ૧૭૨૧માં શ્રી મેઘવિજ્ય ઉપાધ્યાયે રચેલી ‘શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં શ્રી જોટીંગા પાર્શ્વનાથનું નામ પણ ગૂંથાયેલું છે.
સં. ૧૭૫૫માં કવિવર જ્ઞાનવિમલે રચેલી એક તીર્થમાલામાં તેમણે મુંજપુરમાં શ્રી જોટીંગડા પાર્શ્વનાથને પ્રણમતા પ્રગટેલા ઉલ્લાસને વ્યકત કર્યો છે.
કવિવર જ્ઞાનવિમલે “૧૩૫ નામ ગર્ભિત પાર્શ્વનાથ સ્તવન”ની રચના કરેલી છે. તેમાં પણ તેમણે શ્રી જોટીંગા પાર્શ્વનાથને સંભાર્યા છે.
સં. ૧૮૮૧ ફાગણ વદ-૨ના દિને પં. ઉત્તમવિજયે રચેલા “શ્રી પાર્શ્વનાથ નાં ૧૦૮ નામના છંદ'માં પાર્શ્વનાથનો પણ નામ નિર્દેશ છે.
પ્રભુનાં ઘામ અનેક—
મુંજપુર શ્રી જોટીંગડા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત શાન્તાક્રુઝ (મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના દેરાસરની ભમતીના ગોખલામા શ્રી જોટીંગા પાર્શ્વનાથ અને એક ગોખલામાં શ્રી મુંજપુરા પાર્શ્વનાથ બિરાજમાન છે. અને જીરાવલા તીર્થના જિનાલયની ૪૫મી દેરીમાં શ્રી મુંજપુરા પાર્શ્વનાથ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
શંખેશ્વરથી ઈશાન ખૂણામાં મુંજપુર ૬|ા માઈલ દૂર છે. સમી તથા હારીજ ૮ માઈલ દૂર છે. અને કંબોઈ તીર્થ અહીંથી ૧૨ માઈલ દૂર છે.
ગામમાં બે ઉપાશ્રય તથા બે ઘર્મશાળા છે. ગામ ઘણું પ્રાચીન છે. પાંજરાપોળની વ્યવસ્થા સારી છે.
સ્થાનિક જૈન સંઘ યાત્રિકોનો સુંદર આતિથિ સત્કાર કરે છે. હારીજ રેલવે સ્ટેશનથી આ ગામ ૧૩ કી. મી. દૂર છે.