Home > Know Jainism > 52 શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
Jainonline.org
• 4-Jul-2025
52 શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
19

પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
માંડલ ગામની મધ્યમાં ગાંધીવાસમાં શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય છે. આ જિનાલયમાં એક કલાત્મક પરિકરની વચ્ચે સાત ફણાથી અલકૃત શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુ સોહે છે. આ પ્રતિમાજી શ્વેત પાષાણનો છે.પદ્માસને રહેલાં આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૦ ઈંચ અને પહોળાઈ ૬ ૧/૪ ઈંચ છે. પ્રતિમાજી આહલાદક છે અને સંપ્રતિકાલીન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
ગાડલિયા અભિધાનના રહસ્યને શોધવા મથામણ કરતાં આ જ પ્રતિમાના અનેક નામોના ગોટાળામાં મૂંઝાવું પડે છે. વર્તમાનમાં ગાડલિયા પાર્શ્વનાથ તરીકે વધુ પ્રસિદ્ધિ પામેલા આ પરમાત્માને કયાંક ગાડરિયા પાર્શ્વનાથ તરીકે ઓળખવવામાં આવ્યાં છે. તો કોઇક તેને ગાલ્લિયા પાર્શ્વનાથ તરીકે ઓળખાવે છે. ગાડર. ગાડરી કે ગારડિયા તરીકે પણ આ પાર્શ્વનાથ પ્રભુનો પરિચય પ્રાચીન સ્તવનોમાં અપાયેલો છે. ઉપલબ્ધ ચૈત્ય પરિપાટી સ્તવનોની પ્રાચીનતાનો ક્રમ અને તેમાં દાખવેલાં નામ જોતાં અનુમાન કરી શકાય કે મૂળથી ગારલિયા કે ગાલ્લિયા તરીકે ઓળખાતા આ પરમાત્માના નામનો અપભ્રંશ શબ્દ વર્તમાનમાં ‘ગાડલિયા’ બન્યો હશે.
આ પ્રતિમાજીનો મહિમાં અપરંપાર છે. તેમના નામની પાછળ રહેલું રહસ્ય અગોચર છે. આ પ્રતિમાજીનું પબાસણ ગાલ્લીના (એક પ્રકારનું ગાડું) આકારે છે. તેથી ગાલ્લિયા પાર્શ્વનાથ નામ પડયું છે. તેવી લોકવાયકા છે.
૧૭મી સદીમાં થયેલા કવિ રત્નકુશલે રચેલા “શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન"માં તેમણે આ પ્રભુની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે—
"આધિ વ્યાઘિ વિષ વેગ નિવારણ ગારૂડી રે. ગારડિયા અભિરામ”
આ સ્તુતિમાં ‘ગારડિયા' નામની ગુણ-નિષ્પન્નતાની પ્રતીતિ થાય છે. આધિ અને વ્યાધિના વિષને નિવારવા ગારુડી મંત્ર સમાન હોવાથી આ પ્રતિમાજીએ ‘ગારડિયા' અભિધાન ધારણ કર્યું છે.
આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે. વર્તમાન જિનાલય સંવત ૧૮૭૫ની આસપાસમાં બંધાવેલું છે. મહા સુદ-પના પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઉલ્લાસથી ઊજવે છે.
માંડલ ગામ પ્રાચીન અને ઐતિહાસિક ભૂમિ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલની એ જન્મભૂમિ છે.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૬૫૫માં શ્રી પ્રેમવિજયે રચેલી “૩૬૫ પાર્શ્વજિન નામમાલા'માં તેમણે પાર્શ્વ પ્રભુનાં ૩૬૫ નામમાં આ નામની ગણના કરી છે.
સંવત ૧૬૫૬ના આસો વદ-૯ને મંગળવારે કવિ નયસુંદરે રચેલા "શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં પણ આ પાર્શ્વનાથ પ્રભુનો ઉલ્લેખ છે.
૧૭મી સદીમાં થયેલા કવિ રત્નકુશલે રચેલા “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન'માં પણ આ પ્રભુની સ્તુતિ છે.
સંવત ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા ‘૧૦૮ નામ ગર્ભિત ગોડી પાર્શ્વનાથ સ્તવન"માં તેમણે આ નામનો પણ સમાવેશ કર્યો છે.
સંવત ૧૬૮૯ના પોષ વદ-૧૦ના દિને શ્રી ગુણવિજ્યના શિષ્યે રચેલ “૧૦૮ નામ ગર્ભિત પાર્શ્વનાથ સ્તવન”માં આ પાર્શ્વનાથ પ્રભુનો પણ ઉલ્લેખ છે.
સંવત ૧૭૨૧માં મેઘવિજ્ય ઉપાધ્યાયે ગૂંથેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં આ નામ પણ ગ્રથિત થયેલું છે.
સંવત ૧૭૨૨માં પં. મહિમા વિજયે રચેલા “ચૈત્ય પરિપાટી સ્તવન”માં તેમણે માંડલમાં ૨૭ જિન પ્રતિમા હોવાનું જણાવ્યું છે.
સંવત ૧૭૫૫માં રચેલી તીર્થમાલામાં કવિવર જ્ઞાનવિમલે પણ માંડલના ગાડરિયા પાર્શ્વનાથને સ્તવ્યા છે.
૧૮માં સૈકામાં જ થયેલા કલ્યાણ સાગરે “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી’”ની રચના કરી છે. તેમાં પણ તેમણે આ મહિમાવંત પ્રભુ માંડલમાં બિરાજે છે. તે હકીકતને સમર્થન આપ્યું છે.
સંવત ૧૮૮૧ના ફા. વ. રના દિને પં. ઉત્તમ વિજયે “પાર્શ્વનાથ ભગવંતનાં ૧૦૮ નામના છંદ”માં ગાડરિયા પાર્શ્વનાથને “ગુણ ગિરીશ” કહીને નવાજ્યા છે. પ્રભુનાં ધામ અનેક—
માંડલ "શ્રી ગાડલિયા પાર્શ્વનાથ"નુ મુખ્ય તીર્થ છે. જીરાવલા તીર્થમાં “શ્રી જીરાવલા પાર્શ્વના ર્વનાથ"ના ભવ્ય જિનાલયની ભમતીમાં ૩૩મી તથા ૩૪મી દેરીમાં આ નામધારી પાર્શ્વપ્રભુ બિરાજે છે. શાન્તાક્રુઝ (મુંબઈ)માં આવેલા શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ “શ્રી ગાડરિયા પાર્શ્વનાથ" બિરાજમાન છે.
પ્રભુનાં ધામની પિછાણ—
માંડલ વિરમગામ તાલુકાનું એક મોટું ગામ છે. વિરમગામથી ૨૨ કી.મી. અને શંખેશ્વરથી ૩૦ કી.મી. દૂર આવેલું છે. આ ગામ ઘણું પ્રાચીન છે. અને પ્રાચીન કાળથી જ ગામમાં જૈનોનું સારૂ વર્ચસ્વ રહ્યું છે. વર્તમાનમાં પણ જૈનોનાં ૧૫૦ ઘર ખુલ્લાં છે.
અહીં “શ્રી ગાડલિયા પાર્શ્વનાથ”નુ જિનાલય ઉપરાંત બીજા ચાર મનોહર જિનાલયો છે. તેમાં શ્રી શાંતિનાથજી, શ્રી વાસુપૂજ્ય સ્વામી. શ્રી આદિનાથજી વગેરે મૂળનાયક ભગવંતોનાં પ્રાચીન અને રમ્ય પ્રતિમાજી પણ દર્શનીય છે.
તપાગચ્છ, અંચલગચ્છ અને પાયચંદગચ્છ એ ત્રણે ગચ્છના જૈનોની અહીં વસતિ છે. ત્રણે ગચ્છના સાધુ ભગવંતોના અહીં સતત
આવાગમન રહે છે. ત્રણ ગચ્છના મળીને કુલ ૭ઉપાશ્રયો છે. અહીં રહેલા વિશાળ જ્ઞાનભંડાર, પાઠશાળા. આંથબિલ શાળા વગેરે આ ગામના જૈનોની ધર્મ જાગૃતિના સાક્ષી છે.
યાત્રિકોને માટે જૈન ધર્મશાળા પણ છે. અહીંનો સંઘ બહાર ગામથી પધારતા યાત્રિકોના ભોજન આદિની સુંદર વ્યવસ્થા કરે છે. પ્રતિ વર્ષ અહીં સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થાય છે. એક મોટી પાંજરાપોળનો અહીંના જૈનો વહીવટ કરે છે. ગુજરાતભરની પાંજરાપોળોમાં અહીંની પાંજરાપોળ પશુઓની વિશિષ્ઠ રીતે માવજત કરવા દ્વારા આગવું સ્થાન ધરાવે છે. જેનો તરફથી દવાખાનું હાઇસ્કૂલ અને સદાવ્રત ખાતુ પણ ચાલુ છે.
ઉપરિયાળાજી, શંખેશ્વર, ભોંયણી, વડગામ, રાંતેજ આદિ તીર્થો માંડલથી નિકટ આવેલાં છે.