Home > Know Jainism > 53 શ્રી શેરીસા પાર્શ્વનાથ
Jainonline.org
• 4-Jul-2025
53 શ્રી શેરીસા પાર્શ્વનાથ
18

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
થોડાંક ખોરડાંઓની વચ્ચે શોભતા શ્રી શેરીસા તીર્થના દેવ વિમાન સદેશ નયન મનોહર શિખરબદ્ધ જિનાલયમાં બિરાજતા શ્યામ વર્ણના શ્રી શેરીસા પાર્શ્વનાથ અત્યંત મોહક છે. દર્શકના ચક્ષુ અને ચિત્તમાં અનેરો આહ્લાદ ઉપજાવતી આ પ્રતિમા પદ્માસને બિરાજે છે. આ પ્રતિમાજી ૧૬૫ સે.મી. ઊંચા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
આ પરમ આહ્લાદક જિનબિંબના ઉદગમની ભીતરમાં પૂ. પ્રભાવક આચાર્ય દેવ શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.નું અખૂટ શ્રદ્ધા બળ રેડાયેલું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના સહાધ્યાથી શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી પરમાત્મ મંદિરને બદલે શેરીસા ગામના નૈસર્ગિક સૌંદર્યમાં હર્ષવિભોર બનીને મહાલી રહ્યા હતા ત્યાં પ્રકૃતિની ગોદમાં તેમણે પરમાત્મ ધ્યાનનો મહાનલ પ્રગટાવ્યો.
આ સ્થાનનું આકર્ષણ કેન્દ્ર શું હશે? તે સહુના આશ્ચર્યનો વિષય બન્યો પણ, આશ્ચર્યનો અંત આવતાં બહુ વાર ન લાગી. તેમણે તેમના દિવ્ય જ્ઞાનના પ્રકાશમાં તે સ્થાનની ભીતરમાં છુપાયેલી એક પાષાણની વિરાટ પાટ જોઈ હતી. આ પાટમાંથી એક મનોહર મૂર્તિનું નિર્માણ થાય તો ભવ્ય જીવોનાં હૃદય-પ્રાંગણમાં પરમાત્મ ભકિતનો દિવ્ય પ્રકાશ પાથરનાર તે બની શકે.
પોતાના આ મનોરથને પૂર્ણ કરવા તેમણે અઠ્ઠમના તપ પૂર્વક શ્રી પાર્શ્વપ્રભુની ચરણોપાસિકા શ્રી પદમાવતી દેવીની ઉપાસના કરી. શ્રી પદમાવતી દેવીએ હાજર થઈ સૂરિજીને તેમના મનોરથો પૂર્ણ થાય તે માટે આવશ્યક માર્ગદર્શન આપ્યું. દેવીના સૂચન અનુસાર સોપારક નગરથી એક અંધ શિલ્પીને બોલાવવામાં આવ્યો. આ અંધ શિલ્પીએ અઠ્ઠમના તપ પૂર્વક સૂર્યાસ્ત બાદ વિરાટ પાષાણની પાટ પર પોતાની અનુપમ શિલ્પકલાને અજમાવી. એક મનોરમ્ય જિનબિંબ આકાર લેવા માંડયું. ક્ષિતિજના પેટાળમાંથી દિનકર ડોકિયું કરે તે પહેલાં તો એક અતિ મનોહર જિનબિંબનું સર્જન થઈ ચૂકયું હતું.
એક બાજુ અંધ શિલ્પીએ શ્રી પાર્શ્વપ્રભુના નયનરમ્ય જિનબિંબનું નિર્માણ કર્યું. અને તે જ રાત્રિએ સૂરિદેવે પોતાની અચિંત્ય મંત્રશકિતને અજમાવીને અયોધ્યા નગરીથી અન્ય ચાર મનોહર જિનબિંબો લાવવા નિર્ધાર્યું. ચારમાંથી એક મૂર્તિને પ્રભાત થઈ જવાને કારણે માર્ગમાં ધારાસેનક નામના ગામમાં પધરાવી. વળી, એક ખાણમાંથી બીજી ચોવીસ જિન મૂર્તિઓ મળી આવી. પરમાર્હત કુમારપાળે પણ એક મનોહર મૂર્તિ આ તીર્થ માટે ભરાવી. આ સઘળાં જિનબિંબોને શેરીસા ગામમાં એક ભવ્ય જિનાલય બંધાવી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. અંધ શિલ્પીએ નિર્મિત કરેલી મનોહારિણી મૂર્તિ શ્રી શેરીસા પાર્શ્વનાથના નામથી ખ્યાતિ પામી.
નાગેન્દ્રગચ્છના શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ આ તીર્થની સ્થાપના કરી હોવાનાં કેટલાંક ઐતિહાસિક પ્રમાણો ઉપરોકત આખ્યાયિકાને સમર્થન આપે છે. તેથી આ તીર્થની સ્થાપના બારમા સૈકામાં થઈ હોય તેમ માનવું સુસંગત છે.
મૂળનાયક પ્રભુ ડોલવાના કારણે “લોડણ પાર્શ્વનાથ'ના નામથી ઓળખાવા લાગ્યા સૂરિદેવે મંત્રશકિતથી આ ડોલતી પ્રતિમાને સ્થિર કરી હતી. આ ગામના “શેરીસા” નામકરણને સૂચવતી એક કિંવદન્તી કવિ લાવણ્ય સમયે એક સ્તવનમાં નોંધી છે. તે અનુસાર પરમાત્માનું પ્રક્ષાલન જલ શેરીમાં સર્વત્ર પ્રસરી ગયું. તેથી શેરી સાંકડી બની. તે પ્રસંગથી શેરીસા અને કડી બે નામનો ઉદભવ થયો હોવાનું કહેવાય છે.
તેરમા સૈકામાં મહામાત્ય - તેજપાલે આ તીર્થમાં પોતાના વડીલ બંધુ શ્રી માલદેવ અને તેના પુત્ર પુનઃસિંહના આત્મ શ્રેયાર્થે બે દેવકુલિકાઓ કરાવી. એક દેરીમાં શ્રી નેમનાથ પ્રભુની સપરિકર પ્રતિમાની અને બીજી દેરીમાં શ્રી અંબિકાદેવીની મૂર્તિની નાગેન્દ્રગચ્છના શ્રી વિજયસેનસૂરીશ્વરજીના વરદહસ્તે પ્રતિષ્ઠા કરાવી.
આ શેરીસા તીર્થમાં સં. ૧૪૨૦માં પદમાવતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી પદ્માવતી દેવીની આ પ્રાચીનતમ પ્રતિમા વર્તમાનમાં નરોડામાં વિધમાન છે.
સંવત ૧૫૬૨માં કવિ લાવણ્યસમયે આ તીર્થનું પ્રત્યક્ષ જોયેલું વર્ણન એક સ્તવનમાં આલેખ્યું છે. આ વર્ણન, સોળમા સૈકા સુધી આ તીર્થ હયાતિમાં હતું. તે પુરવાર કરે છે. ત્યારબાદ, આ તીર્થ પર આફતના ઓળા ઊતર્યા અને સં. ૧૭૨૧માં મુસ્લિમોનાં આક્રમણોથી આ ભવ્ય જિનાલયનો વિધ્વંસ થયો. શ્રી સંઘે કુનેહ અને કુશળતા વાપરીને જિનબિંબોની રક્ષા કરી.
આ તીર્થ થોડાં વર્ષ સુધી વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. પુનઃ આ તીર્થના પુનરુત્થાનની પળ પાકી ગઈ. અંધારામાં પડેલું આ તીર્થ કેટલાક ગૃહસ્થોના ધ્યાનમાં આવ્યું. વિ.સં. ૧૯૬૯ની સાલમાં કલોલ મુકામે પધારેલા શાસન સમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ભિજ્યનેમિસૂરીશ્વરજીએ આ તીર્થનો ઉદ્ધાર કરવા શ્રી સંઘને પ્રેરણા કરી.
પૂજ્ય આચાર્ય દેવશ્રીના પ્રયત્નોથી આ તીર્થના જીર્ણોદ્વારની કાર્યવાહી શરૂ થઈ ગઈ. વિશાળ પટાંગણ વચ્ચે અમદાવાદ નિવાસી સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની પુણ્ય પ્રસાદી સમા ભવ્ય જિનાલયનું નિર્માણ થયું. શાસનસમ્રાટ પૂ. આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વરદ હસ્તે મહામહોત્સવ પૂર્વક સં. ૨૦૦૨ના વૈશાખ સુદિ ૧૦ના રોજ આ ભવ્ય જિનપ્રાસાદની પ્રતિષ્ઠા થઈ.
શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી આ તીર્થનો વહીવટ સંભાળે છે.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૩૮૯માં ખરતર ગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભ-સૂરિએ રચેલા “વિવિધ તીર્થ કલ્પ'માં આ તીર્થના ઉદભવની આખ્યાયિકાની નોંધ પ્રાપ્ત થાય છે. તેમના જ રચેલા એક તીર્થયાત્રા સ્તોત્રમાં શેરીસા નગરના તિલક સમા શ્રી પાર્શ્વપ્રભુને નમસ્કાર કરવામાં આવ્યા છે.
સંવત ૧૩૯૩માં રચાયેલા શ્રી કકકસૂરિ કૃત 'નાભિનંદનો-દ્ધાર પ્રબંધ'માં પણ આ તીર્થના ઉદભવનો સંક્ષિપ્ત ઈતિહાસ જોવા મળે છે.
ચૌદમા સૈકામાં શ્રી જિનતિલકસૂરિએ રચેલી “તીર્થ-માલા'માં શેરીસાનાં શ્રીપાર્શ્વપ્રભુને વિશાળ કાયાવાળા કહયા છે.
પંદરમા સૈકામાં શ્રી કીર્તિમેરૂએ રચેલી … શાશ્વત તીર્થમાલા'માં પણ આ તીર્થનો નામ નિર્દેશ કરાયેલો છે.
શ્રી રત્ન મંદિર ગણિકૃત "ઉપદેશ તરંગિણી’”માં આતીર્થનો સંક્ષિપ્ત ઈતિહાસ આલેખાયેલો છે.
સંવત ૧૫૬૨માં કવિ લાવણ્ય સમયે “શેરીસા તીર્થ સ્તવન”ની રચના કરી છે. આ સ્તવનમાં તેમણે આ તીર્થના ઉદભવ સાથે સંકળાયેલી કિંવદંતીને મોહક શબ્દરચના દ્વારા ગૂંથી છે.
સંવત ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે રચેલી “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા”માં શ્રી શેરીસા પાર્શ્વનાથના નામની પણ ગૂંથણી કરવામાં આવી છે.
સંવત ૧૬૫૬ના આ.વ. ૯ને મંગળવારે કવિ નયસુંદર રચિત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં આ પાર્શ્વનાથની પણ સ્તવના કરવામાં આવી છે.
સંવત ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજ્યગણિના શિષ્યે રચેલા ''શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં આ તીર્થનો પણ નામોલ્લેખ થયેલો છે.
સંવત ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં શ્રી શેરીસા પાર્શ્વનાથની પણ સ્તુતિ કરવામાં આવી છે.
સત્તરમી સદીમાં કવિ સમયસુંદરે “શ્રી શેરીસા પાર્શ્વનાથ ભાસ”ની રચના કરેલી છે.
સંવત ૧૬૮૯ના પોષવદ ૧૦ના દિને કવિ ગુણવિજ્યના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં આ પાર્શ્વપ્રભુની પણ સ્તવના કરવામાં આવી છે.
સંવત ૧૭૨૧માં રચાયેલી શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત “શ્રી પાર્શ્વનાથ નામમાલા"માં શેરીસાના પાર્શ્વનાથને શિવદાઈ કહીને ઓળખાવવામાં આવ્યાં છે.
સંવત ૧૭૪૬માં શ્રી શીલવિજયે રચેલી “તીર્થમાલા”માં શ્રી શેરીસા પાર્શ્વનાથના તીર્થની પણ તેમણે નોંધ કરી છે. આ પાર્શ્વપ્રભુને કવિએ સંકટચૂરક અને આશાપૂરક કહીને બિરદાવ્યા છે.
સંવત ૧૭૫૦માં કવિ શ્રી સૌભાગ્યવિજ્યે રચેલી “તીર્થમાલા”માં પણ આ તીર્થનો નામનિર્દેશ થયેલો છે.
અઢારમાં સૈકામાં કવિ શ્રી કલ્યાણસાગરે રચેલી “શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી''માં તેમણે આ પ્રભુનો મહિમા ગાયો છે.
સંવત ૧૮૮૧માં કવિ શ્રી ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ'માં તેમણે શેરીસાના શ્રી લોડણ પાર્શ્વનાથને પણ નમસ્કાર કર્યા છે.
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી શેરીસા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ અમદાવાદના નિકટવર્તી શેરીસા ગામમાં આવેલું છે. તદુપરાંત શ્રી જીરાવલા તીર્થની બાવનમી દેરીમાં અને શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી શેરીસા, પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજમાન છે. સુરેન્દ્રનગરનાં મુખ્ય જિનાલયમાં શેરીસા પાર્શ્વનાથની વિશાળકાય દર્શનીય પ્રતિમા બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
કલોલ રેલવે સ્ટેશનથી આઠ કી.મી. દૂર આવેલું આ તીર્થ અમદાવાદ-મહેસાણા માર્ગ પર આવેલું છે. એક વિશાળ ધર્મશાળા વચ્ચે મનોહર જિનાલય અત્યંત આહલાદ આપે છે. સ્થળ અત્યંત રળિયામણું છે. ધર્મશાળા, ભોજનશાળાની સુંદર સગવડ છે. વામજ ભોયણી, પાનસર વગેરે તીર્થો નિકટમાં આવેલાં છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આ તીર્થનો વહીવટ કરે છે.