Jain Kids Magazine - March 24
Home > Magazine > Gujarati Magazine > > Jain Kids Magazine - March 24
Sutra Secret : અષ્ટ પ્રાતિહાર્ય
‘અષ્ટ પ્રાતિહાર્ય’
અષ્ટ = 8, પ્રાતિહાર્ય = સેવક.
સેવકની જેમ જ જે 8 વસ્તુઓ હંમેશાં પ્રભુની સેવામાં હાજર રહે તે ‘અષ્ટ પ્રાતિહાર્ય’ કહેવાય.
પરમાત્મા સમવસરણમાં બિરાજમાન હોય કે વિહાર કરતાં હોય, આ 8 પ્રાતિહાર્ય હંમેશાં સાથે જ રહે છે.
(1) અશોકવૃક્ષ : સમવસરણની બરાબર સેન્ટરમાં એક વિશાળ વડ જેવું વૃક્ષ હોય છે, જે ‘અશોકવૃક્ષ’ કહેવાય છે.
જે વૃક્ષના દર્શનમાત્રથી જીવોના શોક-સંતાપ દૂર થઈ જાય છે, માટે તે વૃક્ષ ‘અશોક’ કહેવાય છે.
આ વૃક્ષ હરિયાળા પાંદડા, તાજા પુષ્પો, છત્ર, ઘંટ અને ધ્વજાઓથી સુશોભિત હોય છે.
જે પરમાત્માના શરીરની જેટલી હાઈટ હોય તેના કરતાં 12 ગણું મોટું અશોકવૃક્ષ હોય છે.
જે પરમાત્માને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે જ વૃક્ષને દેવો અશોકવૃક્ષ પર રાખે છે.
દા.ત., પરમાત્મા મહાવીર સ્વામીની હાઈટ 7 હાથ. તો તેમનું પ્રાતિહાર્ય અશોકવૃક્ષની હાઈટ 7 x 12 = 84 હાથ. અને પરમાત્મા મહાવીર સ્વામીને ‘સાલ’ વૃક્ષની નીચે કેવલજ્ઞાન મળ્યું તો દેવો 84 હાથના અશોકવૃક્ષ ઉપર ‘સાલ’ વૃક્ષની સ્થાપના કરે છે.
(2) પુષ્પવૃષ્ટિ : પરમાત્માના સમવસરણની ચારેય બાજુ 1 યોજન (લગભગ 13 કિ.મી.) સુધી દેવો ફૂલો વરસાવે છે, તે ‘પુષ્પવૃષ્ટિ’ કહેવાય છે.
વરસતા પુષ્પો ક્યારેય ઊંધા પડતા નથી.
અને દેવો પુષ્પો એવી રીતે વરસાવે છે કે તેમાં સાથિયો, કમળ વિ. ડિઝાઇન પણ બને છે.
દેવો એટલા બધા ફૂલો વરસાવે છે કે, માણસ ચાલે તો તેના પગના ઢીંચણ સુધીનો ભાગ ફૂલોથી ઢંકાઈ જાય છે.
છતાં ય, પરમાત્માનો એવો પ્રભાવ છે કે ઢીંચણ સુધીના ફૂલોમાં હજારો માણસ ચાલીને સમવસરણમાં આવે, તો ય એકે ય પુષ્પના જીવોને પીડા થતી નથી! તે પુષ્પો દબાતા કે ચીમળાતા નથી અને જે ડિઝાઇન છે તે પણ બગડતી નથી.
દેવો સફેદ, લાલ, પીળા વગેરે પાંચ વર્ણનાં ફૂલો વરસાવે છે.
3.7
(3) દિવ્યધ્વનિ : પરમાત્મા માલકોશ રાગમાં દેશના આપે છે, ત્યારે દેવતાઓ વીણા, વાંસળી વગેરેનો મધુર સૂર પૂરે છે.
જેવી રીતે આજના સિંગર્સ ગીત ગાય છે, ત્યારે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક વાગે છે, તેમ.
(4) ચામર : પરમાત્માની બે બાજુ દેવો ચામર વીંઝે છે. દૂધ જેવા સફેદ ચામરની દાંડી સોનાની હોય છે, તેમાં હીરા જડેલા હોય છે.
(5) સિંહાસન : પરમાત્મા દેશના આપવા માટે જ્યાં બિરાજે છે, તે ‘સિંહાસન’ કહેવાય છે. સિંહાસન પ્યોર ગોલ્ડનું બનેલું હોય છે.
(6) ભામંડલ : ‘ભા’ એટલે તેજ-પ્રકાશ, ‘મંડલ’ એટલે સર્કલ. પરમાત્માના મસ્તકની પાછળના ભાગમાં દેવો તેજસ્વી સર્કલ રચે છે, જેને ‘ભામંડલ’ કહેવાય છે. ભામંડલ પરમાત્માના રૂપ-ઐશ્ર્વર્યમાં સુંદરતા ઉમેરે છે.
(7) દુંદુભિ : પરમાત્માની દેશનાના સમયે દેવો આકાશમાં ઢોલ-નગારા જેવા વાજિંત્રો વગાડે છે. જાણે કે લોકોને પરમાત્માની સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે.
(8) છત્ર : પરમાત્માના મસ્તક પર સ્ફટિકના 3 છત્ર હોય છે.
છત્રમાં નીચેનું સૌથી નાનું, વચલું તેનાથી મોટું ને ઉપરનું સૌથી મોટું હોય છે.
Additional Info
Number of pages : --
Weight : --