Home > Know Jainism > પ્રભુ સમક્ષ પાપોનો પશ્ચાતાપ
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 6-Jul-2026
પ્રભુ સમક્ષ પાપોનો પશ્ચાતાપ
7
પેથડશાએ લોભને પરખી સુવર્ણસિદ્ધિ ફગાવી :
પેથડશાહને ક્યાંકથી સુવર્ણરસ સિદ્ધ કરવાનો નુસખો-કિમિયો મળ્યો એટલે પછી લોભ જાગ્યો, પેથડ આબુ ઉપર ગયો. ત્યાં વનસ્પતિઓ ભાતભાતની ઊગે, તેથી આબુના જંગલોમાં ફરી ફરીને કેટલાય પ્રકારની વનસ્પતિઓ તોડી તોડીને એના રસ કાઢ્યા, રસ કાઢી એના સંયોજન કરી કરીને સુવર્ણરસ બનાવવા પ્રયત્ન આરંભી દીધો.
પરંતુ સુવર્ણરસ એમ બને છે? વનસ્પતિઓ રસશાસ્ત્રનાં કહેલાં લક્ષણવાળી બરાબર જ મળે એવો નિયમ નહિ. અંદાજે ધાર્યું હોય કે આ એવાં જ લક્ષણવાળી છે, પરંતુ એ બરાબર ન હોય, એવું બને.
પૂર્વનો અનુભવ હોય નહિ, લખેલા અક્ષર પરથી મેળવવાનું હોય અને કુદરતના સર્જનમાં સમાન એવી વનસ્પતિઓ મળતી હોય, તેથી અંદાજ લગાવી અખતરા જ કરવાનું બને એ હિસાબે કેટલીય લીલી વનસ્પતિઓનો કચ્ચરઘાણ નીકળે.
પેથડશાને સુવર્ણરસ સિદ્ધ કરવા માટે આમ ઢગલાબંધ વનસ્પતિઓનો કચ્ચરઘાણ કરવો પડયો. એમાં કેટલીય ભળતી વનસ્પતિના અખતરા નકામા ગયા, ત્યારે કેટલાય સંયોજન નકામા ગયા. એમ કરતાં કરતાં અંતે સુવર્ણરસ સિદ્ધ થયો.
પુણ્યશાળી છે ને? એટલે આવી મહાન સિદ્ધિ થઈ. ક્રોડો રૂપિયાનું ધન સહજ રીતે બનાવી લેવાનો ઉપાય હાથમાં આવ્યો. હવે આનંદ કેટલો થાય? હૈયું કેવા આનંદના હિલોળે ચડે?
પરંતુ એ પછી પેથડશા આબુના જિનમંદિરમાં જાય છે. વીતરાગ પ્રભુનાં દર્શન કરે છે ત્યાં પેથડશાનું દિલ દ્રવી ઊઠે છે, મનને એ વનસ્પતિકાય જીવોનો કચ્ચરઘાણ કાઢવા બદલ ભારે કલ્પાંત થાય છે. પ્રભુની આગળ રોતાં રોતાં પાપનો પશ્ચાત્તાપ કરે છે.
પેથડશાનો સુવર્ણસિદ્ધ થવા છતાં પશ્ચાત્તાપ :
'પ્રભુ! આ મેં લોભમાં શું કર્યું? પોતપોતાના સ્થાને ઊગી કલ્લોલ કરી રહેલા એ વનસ્પતિકાય જીવો, એ બિચારા પારાવાર જીવોનો મેં કચ્ચરઘાણ કાઢ્યો? એને કાપ્યા, છૂંધા, લસોટયા? ક્યાં રહી આમાં મારી દયાની પરિણતિ? ક્યાં રહ્યો મારો શ્રાવકધર્મ?
પેટ ભરવાનો તો સવાલ જ નહોતો. પટારા ભરવાની કેવળ મનની ભૂખ ભાંગવા આટલો બધો જીવતા જીવોનો સંહાર? આમાં મારું શ્રાવકપણાને જરૂરી દયાળુ દિલ ક્યાં રહ્યું? અને મનની ભૂખ ક્યારે પૂરી થાય છે? હાય! આ નિર્દોષ જીવોનો કચ્ચરઘાણ કાઢી કેટલા બધા પાપ બાંધ્યા? એમાં પરભવે મારી ગતિ કઈ?
હવે જો આના ઉપર ઘન પ્રાપ્ત કરી કરી રાચું તો એ જીવસંહારની વારંવાર અનુમોદના થવાથી દયાનો લેશ પણ ક્યાંથી રહે? અને એ ચાલુ અનુમોદનાથી પાપકર્મોના થોક પણ કેવા બંધાતા જાય? તેમ ધનની મમતા પણ કેવી પારાવાર વધે? ધિક્કાર છે મારા લોભને! ધિક્કાર છે મારા લોભી જીવને!
પ્રભુ! આટલો ઊંચો મનુષ્યભવ, જૈન ધર્મ અને શ્રાવકપણું પામીને આ મેં શું કર્યું? આટલા ઊંચા સંયોગે હૈયું નિર્દય અને ધિત્ઠું બનાવ્યા પછી એવા હૈયા પર કેવા પાપી ભવોની પરંપરા? એ ભવોમાં ધર્મ તો હૈયે વસે જ શાનો? પછી કેવા ક્રૂર પાપભર્યા જીવન જીવવાનો?
નાથ! તું અને તારું શાસન પામવા છતાં આ લોભ-આ નિર્દયતા કરવામાં મેં તારી અને તારા શાસનની કેવી અવગણના કરી? તારો કેટલો બધો અપરાધ કર્યો?’
પેથડશાહને પાપનો જબરદસ્ત પસ્તાવો થાય છે. પ્રભુની આગળ ચોધાર આંસુએ રડે છે. એ પશ્ચાત્તાપ અંતરના ઊંડાણમાંથી હતો એટલે હવે એ પાપ, એ લોભ અને એ નિર્દયતાને બંધ કરી દેવા નિર્ધાર કરે છે, પ્રતિજ્ઞા કરે છે કે, 'મારે આ સુવર્ણરસ ન ખપે.

