Home > Know Jainism > સુખ જોઈએ છે, એનો ઉપાય ધર્મ જોઇએ છે?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 22-Jun-2026
સુખ જોઈએ છે, એનો ઉપાય ધર્મ જોઇએ છે?
10
માણસ પાપના ઉધમાત કરતાં વિચાર-ચિંતા રાખતો નથી અને પાપનાં ફળરૂપે દુઃખ ભોગવવાનું આવે ત્યારે ચિંતામાં સળગ્યા કરે છે. જગતના જીવોની આ વિચિત્ર સ્થિતિ પર લખ્યું છે કે,
' धर्मस्य फलमिच्छन्ति, धर्मम् नेच्छन्ति मानवाः |
फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादरा: ।।'
અર્થાત્ માણસો ધર્મનું ફળ (સુખ) ઈચ્છે છે, પરંતુ ધર્મ નથી ઈચ્છતા; પાપનું ફળ (દુઃખ) નથી ઈચ્છતા અને પાપ આદરપૂર્વક કરે છે. કેવી વિચિત્ર સ્થિતિ?
સુખ જોઈએ છે, સુખ લાવનાર ધર્મ નથી જોઈતો! ત્યારે દુઃખ જોઈતું નથી, પણ દુઃખના કારણભૂત પાપ હોંશથી કરવા છે! એમ સુખ મળે? ને દુઃખ ટળે?
એવું જો બનતું હોય તો તો દુનિયામાં ધર્મ કરનારા અને પાપ છોડનારા બહુ ઓછા; લગભગ બધા ધર્મથી પરાન્મુખ અને પાપાચરણમાં મસ્ત હોય છે તો એ બધા સુખી અને દુઃખ વિનાના દેખાવા જોઈએ, પણ એવું દેખાતું નથી.
લગભગ બધા દુઃખી છે, દુઃખની પોક મૂકે છે, સુખને ઝંખે છે, પરંતુ જિંદગીભર દુઃખમાં રિબાય છે અને સુખ જોવા નથી મળતું.
આ બતાવે છે કે પાપથી દુઃખ અને ધર્મથી સુખ મળે.

