Home > Know Jainism > માનવભવમાં આવીને નવા ભવોનાં સર્જન તો નથી કરતા ને ?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 24-Jul-2026
માનવભવમાં આવીને નવા ભવોનાં સર્જન તો નથી કરતા ને ?
95
પૂજામાં આવે છે ને,
'ધનદેવ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે,'
એ ધનદેવ શ્રાવકના ઘરના ચોકમાં પંખીએ આકાશમાંથી ચિત્રાવેલી વનસ્પતિ નાખી. આ ચિત્રાવેલીનો એવો પ્રભાવ હોય છે કે એની ઈંઢોણી પર ઘીનો ગાડવો રાખી એમાંથી ઘી ખાલી કરવામાં આવે, તો ઘીના હોજ ભરાય, પરંતુ માંહીથી ઘી ખૂટે નહિ.
ધનદેવ એને ઓળખે છે, પણ એ લોભથી ગભરાયો કે, ‘રખેને એનો લોભ દિલમાં ઘુસાડતાં જીવનમાં પાપો વધી જાય તો? પહેલું તો પરિગ્રહ પરિમાણનું વ્રત જ ભાંગે અને પછી બીજા પાપો અને અનર્થોની ફોજ ઊતરી પડે તો?'
એથી એણે ચિત્રાવેલીના ટુકડા કરી નાખી ખત્મ કરી. રખે બહાર જઈને બીજામાં અનર્થ ઘાલે તો? માટે એનું દાન પણ નહિ. એવી ભારે વસ્તુ પચાવનાર ક્યાંથી લાવવા?
આ પૂર્વે એ જ ધનદેવ એક વાર નદીના કાંઠા પાસેથી જતો હતો ત્યાં એક ભેખડ તૂટી પડી ને ત્યાં બખોલમાં રત્નનો ચરૂ દટાયેલો દેખ્યો.
ધનદેવ લોભથી ગભરાયો : ‘કદાચ અહીં ઊભો રહું ને લોભ જાગે તો?' તે ઝટપટ ત્યાંથી ચાલી નાખ્યું.
ઘરે આવી મોડી સાંજે શ્રાવિકાને વાત કરે છે કે, ‘મેં તો આ રીતે રત્નનો ચરૂ દેખ્યો. પરંતુ જો એ લાવું તો પરિગ્રહપરિમાણ વ્રત તો ભાંગે, વધારામાં એના લોભની પાછળ કેટલાય પાપો, સંતાપો અને અનર્થ મચે! તેથી એમ જ મૂકીને ઝટપટ આવી ગયો.'
ત્યારે શ્રાવિકા પણ લોભથી ને પાછળના પાપો વગેરેથી ગભરાનારી કેવી કે એણે પતિની ત્યાગની વાતને સમર્થન આપ્યું : 'બહુ સારું કર્યું તમે, એ ન લાવ્યા તે.’ શ્રાવક-શ્રાવિકા લોભથી નહિ ડરે તો બીજું કોણ ડરશે?
માનવભવમાંથી ભવોનાં સર્જન ન કરવા હોય તો લોભથી ભારે ગભરાતા રહેવું પડે.
માનવભવમાં જિનની આજ્ઞાને પોતાનું મુખ્ય ધન અને મુખ્ય શિરછત્ર બનાવવી હોય તો બાહ્યના લોભથી ડરતા રહેવું પડે.
એ ધનનો-માનનો-પાનનો લોભ ઘુસાડયો તો પછી જિનાજ્ઞા પોતાને મન સર્વસ્વ નહિ રહે અને એવા આચરણ થશે કે જેથી ભવ પરંપરા વધી જાય. અંદર પેઠેલો લોભ બોલાવશે કે મનાવશે : ‘પ્રભુની આજ્ઞા-બાજ્ઞા ખરી, પરંતુ અહીં લોકની વચમાં જીવવું છે કે મરી જવું? સારું માન મળે, પૈસા મળે, ખાવાનું મળે તો જીવ્યા પ્રમાણ. નહિતર તો જીવતા છતાં મૂઆ જેવા.'
બસ, લોભના આ હિસાબમાં પછી ન્યાય-નીતિ, સાચું-સારું, ભક્ષ્ય-પેય કશાનો વિચાર નહિ રાખે. જિનાજ્ઞાની કશી પરવા કે ભારબોજ રાખ્યા વિના જૂઠ-અનીતિ, માયા-વિશ્વાસઘાત, અભક્ષ્યભક્ષણ-અગમ્યગમન વગેરે હોંશે-હોંશે આચરશે. જીવનમાં લોભ મુખ્ય થયો, એટલે પછી જિનાજ્ઞા મુખ્ય ન થઈ શકે. જેને પૈસા પ્રાણ, માનપાન પ્રાણ, એને જિનાજ્ઞા પ્રાણ માનવાનું શાનું હોય? ભાન નથી કે,'ધન-સન્માન-ખાનપાન-રંગરાગને તો અનંતી વાર પ્રાણ કર્યા; જિનાજ્ઞાને પ્રાણ બનાવવાનો આ અતિ દુર્લભ અવસર અહીં મળ્યો છે. એ અહીંથી ગુમાવીને મર્યે, પછી ક્યાં મળવાનો હતો?’

