Home > Know Jainism > અગત્યની ફરજ - સંસ્કારોનું ઘડતર
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 18-Aug-2026
અગત્યની ફરજ - સંસ્કારોનું ઘડતર
3
જીવના પોતાના પૂર્વ સંસ્કાર ઉપરાંત અહીંના ઘડતરનું બહુ મોટું મૂલ્ય છે.
એમ ન માની લેશો કે, ‘છોકરો જેવા સંસ્કાર લઈને આવ્યો હશે તેવો બનશે, અહીંની આપણી એને ઘડવાની મહેનત કાંઈ કામ નહિ લાગે!' આવું ન માનતા, કેમકે જીવને એમ તો અનાદિના સંસ્કાર તો વિષય-કષાયના ખરાબ જ છે; એટલે પછી એમાં ઘડતરથી કશો ફેરફાર જ ન થાય.
પરંતુ એવું નથી, જીવમાં સારા મા-બાપ, સારા ભાઈ-મિત્ર, સારા શિક્ષક, સારા ધર્મગુરુ વગેરેના યોગે ખરાબ સંસ્કાર સુધરતા આવે છે અને સારા સંસ્કાર નખાતા આવે છે.
જૂનામાં સુધારો શક્ય જ ન હોય તો તો પ્રભુનું શાસન શું કામનું રહે? પ્રભુએ ધર્મ-શાસન સ્થાપ્યું છે એ પૂર્વ પાપ-સંસ્કારોમાં સુધારો કરી નવા નવા ધર્મ-સંસ્કારોનું આરોપણ કરતા રહેવા માટે જ સ્થાપ્યું છે.
મા-બાપ વગેરેની ફરજ :
માટે, મા-બાપની પુત્ર-પુત્રી પ્રત્યે, શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યે અને ગુરુની શિષ્ય પ્રત્યે આ મોટી ફરજ છે કે એને પ્રારંભથી જ સારા સંસ્કારનું ઘડતર આપવું. કારણ એ છે કે જો એને એ નહિ આપો, તો બહારના પ્રલોભક સંયોગો એવા છે કે એને કુસંસ્કારોની પુષ્ટિ કરી આપશે.
ત્યારે પ્રારંભમાં તો આ પુત્ર, વિદ્યાર્થી કે શિષ્ય એ મા-બાપ, શિક્ષક કે ગુરુથી પ્રભાવિત હોય છે, આશ્રિતભાવથી એમની અસર નીચે હોય છે, તેથી એનામાં સારા સંસ્કારનું ઘડતર શક્ય-સરળ-સહેલું હોય છે. ઘડતરને એ ઝીલે છે.
બાકી, પ્રારંભથી આ ચીવટ ન રાખી તો ખોટી આદતો પડયા પછી મોટા થયે કાંઈ કહેવા જાઓ તો એ સાંભળે જ નહિ ને?
આજે ઘણા ય મા-બાપ આ અનુભવે છે કે દીકરા-દીકરીને પહેલાં તો લાડ લડાવ્યા, એના અનાદિરૂઢ દોષો ચલાવી લીધા, પછી હવે મોટા થયે સુધારા માટે એને કાંઈ કહેવા કરવા જાય છે તો એ દીકરા-દીકરી સાંભળવા-માનવા તૈયાર નથી. એવું ગુરુઓને શિષ્યો માટે બને છે. ઝાડ પાકટ થઈ ગયા પછી વાળવા જાઓ તો ન વળે. તેથી સારા સંસ્કારોનું ઘડતર તો પ્રારંભથી જ જરૂરી છે.
સંસ્કારોનું ઘડતર એ જીવનમાં બહુ મોટી ચીજ છે , ઘણી અગત્યની ફરજ છે. દીકરા-દીકરીને સારું સારું ખવરાવી દીધું, પહેરાવી-મહલાવી દીધું કે નિશાળે ભણાવી લીધું એટલેથી કાંઈ ન વળે. એમાં તો એના અનાદિના રોષ-રીસ, મદ-અહંત્વ, ઈર્ષ્યા-અસૂયા, માયા-પ્રપંચ વગેરે દોષો પગભર બનવાના.
એમ, શિક્ષકો વિદ્યાર્થીને માત્ર વિદ્યાના પાઠ ભણાવી દે કે ગુરુઓ શિષ્યોને માત્ર શાસ્ત્ર ભણાવીને વિદ્વાન બનાવી દે એટલેથી એના અનાદિરૂઢ દોષો સુધરી ન જાય. એ તો, એનામાં સારા સંસ્કારોનું ઘડતર કરવાની પહેલેથી જ કાળજી રાખે, મહેનત લે, તો જ બને.
ઉછેર અને ભણતર કરતાં વધુ અગત્યનું સંસ્કાર-ઘડતર છે.

