Home > Know Jainism > આપણે કોના પક્ષમાં બેસવાવાળા મા બાપ?? જિનશાસનના? કે લોભના?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 5-Aug-2026
આપણે કોના પક્ષમાં બેસવાવાળા મા બાપ?? જિનશાસનના? કે લોભના?
4
દીકરાને ધર્મ-પરાક્રમની તક આપનારા મા-બાપ તો બહુ ઓછા...
હાય! ઉપવાસ કરીને છોકરો ઢીલો પડે તો?
તપ કરીને દૂબળો થાય તો?
સત્સંગ કરવા જતાં સાધુ થઈ જાય તો?
સેવા-પરોપકાર કરવા જતાં પછી એનો નાદ લાગી જાય તો?...
બસ, બધે ભય, ભય, ને ભય. આવા મા-બાપ દીકરા-દીકરીને ધર્મ પરાક્રમમાં ક્યાંથી જોડે? ત્યારે એવા પરાક્રમના અભ્યાસ વિનાની નવી પ્રજામાં ધર્મનું નૂર ક્યાંથી આવે? જીવનમાં ધર્મની દૃષ્ટિએ એ બિચારા માયકાંગલા જ રહે.
પછી મા-બાપ મર્યે કદાચ એનું ભાગ્ય હોય અને સદ્ગુરુ-સંયોગ મળ્યે ધર્મપરાક્રમ ફોરવે તો જુદી વાત. પણ એવા થોડા. કેમકે જીવનના સંસ્કરણયોગ્ય પૂર્વ ભાગમાં જ ધર્મની બાબતમાં માયકાંગલાગીરીમાં ટેવાયેલાને પછીથી એ જ આદત રહેવાનો સંભવ છે. આજે નવી પ્રજામાં ધર્મ અંગે માયકાંગલાપણું હોવાનું એક કારણ આ છે કે મા-બાપે એમને બચપણથી ધર્મપરાક્રમમાં જોડયા નથી.
પરાક્રમ વિના સિદ્ધિ થાય નહિ, સત્ત્વ ખીલે નહિ, નૂર વધે નહિ. જીવનમાં કંઈક નક્કર સારું સાધી જવું હોય, તો દાન-શીલ-તપ-ભાવ, જિનભક્તિ, જીવદયા વગેરેમાં પરાક્રમ ફોરવતા રહો. પરાક્રમથી ઉજળામણ આવશે, હૃદય ઓજસ્વી બનશે. પ્રારંભે જરા કઠિનાઈ લાગે, પરંતુ મન મજબૂત કરીને આગળ વધતાં સહેલું બની જશે અને મહાલાભ દેખાશે.

